વિરપરડામાં હિન્દૂ - મુસ્લિમ બાળાઓ સાથે મળીને રમે છે ગરબા 30 વર્ષથી હિન્દૂ મુસ્લિમ સમાજ સાથે મળીને પ્રાચીન ગરબીનું કરે છે આયોજન : મ્યુઝિક સિસ્ટમને બદલે ઢોલના તાલે રાસ રમે છે બાળાઓ મોરબી : દેવી દેવતાની ભક્તિ કે અલ્લાહની બંદગીમાં નાતજાતના કોઈ બંધન હોતા નથી. માત્ર દિલમાં શ્રધ્ધા અને હૈયામાં હામ હોય તો કોઈપણ વ્યક્તિ દેવી દેવતાની ભક્તિ અને અલ્લાહની બંદગી કરી શકે છે. આ વાતને મોરબીના વીરપરડા ગામના લોકોએ યથાર્થ ઠેરવી છે. જેમાં ગામના હિન્દૂ મુસ્લિમ સમાજના લોકો હળીમળીને છેલ્લા 30 વર્ષથી નવરાત્રી મહિત્સવમાં આયોજન કરીને માં શક્તિના ગુણગાન ગાય છે. એ પણ આધુનિક મ્યુઝિક સિસ્ટમ વગર દેશી ઢબથી જાતે ગરબા ગાયને માત્ર ઢોલના સથવારે બાળાઓને રાસ ગરબા રમાડવામાં આવે છે અને હિન્દૂ - મુસ્લિમ બાળાઓ સાથે મળીને રાસ ગરબા રમીને માતાજીની ભક્તિ કરે છે. મોરબીના વીરપરડા ગામે છેલ્લા 30 વર્ષથી યોજાતી પ્રાચીન ગરબી કોમી એકતાની મિશાલ બની ગઈ છે. આ અનોખી ગરબી વિશે ગામના અગ્રણી મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં નાતજાતનો કોઈ ભેદ નથી. દરેક વર્ણના લોકો સાથે મળીને દરેક તહેવારોની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે જેમાં છેલ્લા 30 વર્ષથી ગામના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને પ્રાચીન ગરબીનું આયોજન કરે છે. પ્રાચીન ગરબીનું ભીખુભા જાડેજા, મયુરસિંહ જાડેજા, આંશિકભાઈ સુમરા, ભવાનભાઈ ભટ્ટી, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ સુરેલીયા, દિનેશગિરી ગૌસ્વામી સહિતના આયોજકો સાથે મળીને આયોજન કરે છે. ગામની પ્રાચીન ગરબીમાં હિન્દૂ-મસ્લિમ સમાજની બાળાઓ સાથે મળીને રાસ ગરબા રમે છે. આજના આધુનિક યુગમાં પણ આ ગરબીને આધુનિકતાનો રંગ લાગ્યો નથી.એકદમ પ્રાચીન ઢબથી જ માતાજીની ભક્તિ કરવામાં આવે છે. આધુનિક મ્યુઝિકની કોઈ સિસ્ટમ જ નથી. જાતે જ લોકો ગરબા ગાયને તેમજ ઢોલના તાલે જ બાળાઓ રાસ ગરબા રમાડવામાં આવે છે અને મૂળ આ ગામના અને હાલ બહાર રહેતા લોકો તેમજ સ્થાનિક લોકો દ્વારા બાળાઓને લ્હાણી રૂપે ભેટ સોગાદ આપવામાં આવે છે. ખેરખર આ ગરબીમાં કોમી એકતાની મિશાલ બની છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..