મોરબી: મોરબીમાં ટ્રાફિક અને ઓવરલોડ વાહનોની સમસ્યા વિકરાળ બની રહી છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં હાઇવે પર એક જાગૃત નાગરિકે રોડ પર બેફામ રીતે અને અન્ય વાહનચાલકો માટે મુસીબત બને તે રીતે ચાલતા એક ડમ્પર ચાલકને રોકીને બરાબરનો ખખડાવ્યો હતો.વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળતી વિગતો મુજબ, એક ડમ્પર રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. આ ડમ્પર માંથી રસ્તા પર સતત મટીરીયલ ઢોળાઈ રહ્યું હતું, જેના કારણે પાછળ આવતા અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. આ જોઈને એક જાગૃત નાગરિકે ડમ્પરને સાઈડમાં રોકાવ્યુ હતું અને ડ્રાઈવરનો ઉધડો લીધો હતો. નાગરિકે ડ્રાઈવરને સવાલ કર્યો હતો કે, 'તને કોઈ પોલીસ કે RTO વાળા રોકતા નથી?' ઉલ્લેખનીય છે કે મોરબીના હાઈવે પર દોડતા આવા વાહનો પર RTO કે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. ઓવરલોડ ભરેલા અને તાડપત્રી ઢાંક્યા વગર દોડતા આવા ડમ્પરો અવારનવાર અકસ્માતનું કારણ બને છે અને પ્રદૂષણમાં વધારો કરે છે. ત્યારે તંત્ર આવા વાહનો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.