મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન અને પ્રેરણાથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી મોરબી અને બીઆરસી ભવન મોરબી દ્વારા આંબાવાડી સી.આર.સી ખાતે મોરબી તાલુકાઓની પ્રાથમિક શાળાઓના ધોરણ 6 તથા 7ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી સ્કૂલ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંતર્ગત વેકેશન સેમિનાર તારીખ 8 મે થી 21 મે દરમિયાન યોજાયો હતો.આ સેમિનારમાં વિદ્યાર્થીઓને દરરોજ અલગ અલગ વિષયના નિષ્ણાત તજજ્ઞો દ્વારા ભાષા, ગણિત, બૌદ્ધિક સમજ, અને સામાન્ય જ્ઞાનના વિષયો અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ દરરોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા મુલાકાત લઈ પ્રેરણાત્મક માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ વર્ગમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ડિયન મિલિટરી સ્કૂલ અને સૈનિક સ્કૂલની શિક્ષણ વ્યવસ્થા, પ્રવેશ પરીક્ષા અને કારકિર્દી અંગે પ્રેઝન્ટેશન અને વીડિયો દ્વારા સરસ માર્ગદર્શન આપી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.વર્ગમાં અલગ અલગ દિવસોમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વોરા તેમજ મોરબી બી.આર.સી કોર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા દ્વારા મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ વર્ગમાં ઇન્ડિયન આર્મીના કર્નલ રેન્કના રિટાયર્ડ આર્મી મેન સહદેવસિંહ ઝાલા દ્વારા મુલાકાત લઈ વિદ્યાર્થીઓને આર્મીની ટ્રેનિંગ અને આર્મીની સર્વિસ દરમિયાનના વિવિધ અનુભવો શેર કરી આર્મીમાં કારકિર્દી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેમને પોતાની નોકરી દરમિયાન ઉપયોગ કરેલ વિવિધ ભારતીય લશ્કરના અસ્ત્ર શસ્ત્રનો વીડિયો, ફોટોગ્રાફ દ્વારા પરિચય કરાવ્યો હતો.સમગ્ર સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓને આદર્શ ડાયટ અંતર્ગત પૌષ્ટિક ભોજન અને નાસ્તા તથા કસરત વ્યાયામ વગેરેની સમજ આપવામાં આવી હતી. ઉદાહરણ સ્વરૂપ બાળકોને દરરોજ વિવિધ ફ્રૂટ અને ડાયફ્રૂટ ડીસનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. સેમિનારના અંતિમ દિવસે તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરની મોક ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોક ટેસ્ટની ઓએમઆર શીટ વિદ્યાર્થીઓની સામે જ સ્કેનિંગ ટેકનોલોજી સમજ આપી અને તેના ઉપયોગથી ત્વરિત પરિણામ મેળવી તમામ વિદ્યાર્થીઓને વ્યક્તિગત તેમને મેળવેલ ગુણ આધારે હવે પછીની તૈયારી અને અભ્યાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સેમિનારને સફળ બનાવવા માટે મોરબી તાલુકાના તમામ સીઆરસી કો-ઓર્ડીનેટર તથા તાલુકાના વિષય નિષ્ણાત પ્રાથમિક શિક્ષકોઓએ યોગદાન આપ્યું હતું. સમગ્ર આયોજન અને સંકલન મોરબી બીઆરસી કો-ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા તથા આંબાવાડી સીઆરસી કો- ઓર્ડિનેટર બાબુલાલ દેલવાડીયા અને આંબાવાડી શાળાના આચાર્ય મુકેશભાઈ મારવાણીયાએ કર્યું હતું.