લાતી પ્લોટમાં આઈ શ્રી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા દંપતી વિરુદ્ધ બે ફરિયાદમોરબી : શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ એક્શન લેવા પોલીસે લોક દરબાર યોજી લોકોને ડર્યા વગર ફરિયાદ માટે આગળ આવવા અનુરોધ કરતા જ એક બાદ એક વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ રહી છે ત્યારે લાતીપ્લોટમાં આઈ શ્રી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલી વ્યાજનો ધંધો કરતા દંપતીએ બે આર્થિક જરૂરત મંદ લોકોને ઉંચા વ્યાજે નાણાં આપ્યા બાદ નાણાં વસુલ કરી દાગીના, કોરા ચેક પરત નહિ કરી તેમજ અન્ય એક મહિલાનું મોટર સાયકલ પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.મોરબીમાં ઓરકેસ્ટ્રાના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશભાઈ ભીખાભાઈ પઠાણે વ્યજખોર દંપતી ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદી અને તેની પત્ની વિરુદ્ધ વ્યાજખોરી મામલે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં આરોપી ભાવિન ત્રિવેદી પાસેથી રૂ. ૨,૪૦,૦૦૦ વ્યાજે લીધા હતા. આ સમયે આરોપી ભાવિને ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક કોરા ચેક અને સોનાના દાગીના ગીરો મુકાવ્યા હતા.જે બાદ અત્યાર સુધીમાં વ્યાજ અને મુદ્દલ મળી કુલ રૂ. ૭,૬૭,૫૦૦ જેવી માતબર રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપી દંપતીએ તેમના સોનાના દાગીના અને ચેક પરત આપ્યા નહોતા. આ ઉપરાંત સાહેદ સોનલબેન બાબુભાઇ સોલંકીને પણ આરોપીઓએ રૂ. ૨.૫૦ લાખ વ્યાજે આપી તેની સામે રૂ. ૫ લાખનું લખાણ કરાવી લીધું હતું અને તેમનું મોટરસાયકલ પણ બળજબરીથી પડાવી લીધું હતું. સાથે જ બન્ને આરોપીઓએ ફરિયાદી પાસે વધુ નાણાંની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોય વ્યાજખોરી મામલે સીટી એ ડિવિઝન પોલીસે ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદી અને તેની પત્ની સામે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ તેમજ અન્ય કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.