મોરબી : મોરબી પંથકમાં વસતા લોકો કંઈક ને કંઈક નોખી અનોખી પ્રવૃત્તિ કરી લોકોપયોગી સમાજોપયોગી સેવકાર્યો કરીને માનવ જીવન સાર્થક કરતા હોય છે અને જીવનમાં પુણ્યનું ભાથું પ્રાપ્ત કરતા હોય છે ત્યારે મોરબીમાં વધુ એક અનોખો સેવાયજ્ઞ જોવા મળ્યો છે. નિવૃત્ત શિક્ષક મહેન્દ્રનગરના રણછોડભાઈ ઓડિયા દ્વારા અન્ય નિવૃત્ત શિક્ષકો સાથે મળીને ગાયમાતા માટે વિવિધ સોસાયટીઓમાં ફરીને રોટલી-રોટલા એકત્ર કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.ઈશ્વરનગર શાળામાં અને ત્યારબાદ પંદરેક વર્ષ રંગપર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત થયા બાદ સતત પ્રવૃત્તમય રહેતા રણછોડભાઈ ઓડિયાને નવરાશના સમયમાં કંઈક સેવાકાર્ય કરવાનો વિચાર આવતા પરિવારના લોકો પોતાના ધર્મપત્ની, બે દીકરા અને પુત્રવધુ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે મારે ગૌમાતા માટે કંઈક કરવું છે. સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં ઘણા બધા અન્નનો બગાડ થતો હોય છે અને એઠવાડ બની જાય છે અને કોઈને કામ આવતો નથી. આ અન્ન એકત્ર કરવાનું રણછોડભાઈ ઓડિયાએ બીડું ઝડપ્યું, પરિવારજનોએ પણ સંમતિ આપી એટલે રણછોડભાઈએ ઓટો રીક્ષા ખરીદી, પચાસ જેટલી કલરની ડોલ કલરવાળા પાસેથી પ્રાપ્ત કરી અને પ્રભુકૃપા ટાઉનશીપ, સોમનાથ ટાઉનશીપ, ક્રાંતિજ્યોત ટાઉનશીપ, હરિગુણ સોસાયટી વગેરેમાં એપાર્ટમેન્ટ નીચે એ ડોલ મૂકી દીધી અને લોકોને જણાવ્યું કે, વધેલું અન્ન આ ડોલમાં નાખજો હું દરરોજ આવીને લઈ જઈશ, બસ રણછોડભાઈનું સેવાકાર્ય શરૂ થયું. રણછોડભાઈ ઓડિયાને આ સેવાકાર્યમાં અમરનગર શાળામાંથી નિવૃત થયેલા સારસ્વત શિક્ષક મનસુખભાઈ ચારોલાનો સાથ મળ્યો. બંને નિવૃત ગુરુજનો ગૌમાતા માટે રોટલી રોટલાનું સોરટિંગ કરી અખાદ્ય વસ્તુઓ દૂર કરી દરેક એપાર્ટમેન્ટ નીચેથી ડોલ એકત્ર કરી રિક્ષામાં ડોલ ગોઠવી નિરાધાર ગૌ સંવર્ધન ખાતે દરરોજ પોતાના હાથે નિરણ, ઘાસચારાની સાથે ગાયોને ખવડાવે છે.14 જાન્યુઆરી 2023 થી શરૂ કરેલું આ સેવાકાર્ય સતત અવિરત ચાલુ છે. બંને ગુરુજનો પોતાના સ્વખર્ચે આ પુણ્યકાર્ય કરે છે. રણછોડભાઈને માવા મસાલા ખાવાનું બંધાણ હતું એ ત્યજી દિધું અને એમાંથી બચેલા રૂપિયા રિક્ષાખર્ચમાં ઉપયોગ કરે છે. લોકો દાન આપીને છૂટી જતા હોય છે પણ મનસુખભાઈ ચારોલા અને રણછોડભાઈ ઓડિયા પોતાના જ દાનનો પોતાના જ સ્વહસ્તે સદ ઉપયોગ કરી રહ્યા છે.