એલઇ કોલેજ રોડ ઉપર ચાલતા આ સેવાયજ્ઞમાં વિવિધ ક્ષેત્રના 6 સેવાભાવી લોકો બાળકોને આપી રહ્યા છે અનોખું શિક્ષણ : અવારનવાર સ્થળાંતરીત થતા શ્રમિકોના બાળકો જે શાળાએ જઈ નથી શકતા તેઓનું ભાવિ ઉજળું બનાવવાનો અનેરો સંકલ્પ https://youtu.be/9tLj-5Lvgnk દરરોજ બાળકો સાંજે 6 વાગ્યાની રાહ જોતા હોય છે, જેવી શાળા શરૂ થાય બાળકોને મજા પડી જાય, શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ દરરોજ બાળકોને નાસ્તો પણ કરાવાય છે મોરબી : મોરબોમાં એક શાળા એવી પણ છે જે રોડ ઉપર ચાલે છે, આમ તો મોટાભાગના બાળકો વિશાળ કેમ્પસ ધરાવતી શાળાઓમાં તમામ સુવિધાઓ સાથે અભ્યાસ કરતા હોય છે. પણ મોરબીના 40 વિદ્યાર્થીઓ એવા છે જે રોડની બાજુમાં બેસીને અભ્યાસ કરે છે. પણ એ અભ્યાસ એવો કરે છે કે આલીશાન શાળામાં બેઠેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ તેની પાસે ઝાંખો પડે. વાત છે મોરબીના એલઇ કોલેજ રોડ ઉપર અગનેશ્વર મહાદેવ મંદિરની પાસે રોડની એક બાજુએ ખુલ્લામાં ચાલતી એક શાળાની. આમ તો આ કોઈ શાળા નથી. પણ ત્યાંનો માહોલ જોઈએ તો મોટી વૈભવશાળી ખાનગી શાળાઓ પણ તેની સામે ઝાંખી પડે. આ વિસ્તારમાં આસપાસ ચાલતા બાંધકામોમાં જે મજુર પરિવારો કામ કરે છે. તેના બાળકોનું શુ ? આ વિચાર મોરબીના વિનોદભાઈ નિમાવત નામના સેવાભાવી વ્યક્તિને આવ્યો હતો. જો કે તેઓએ સેવાયજ્ઞની શરૂઆત બાળકોને ભોજન આપવાથી કરી હતી. વિનોદભાઈ નિમાવતનો પરિચય જોઈએ તો રેલવે વિભાગમાં 40 વર્ષો સુધી ફરજ નિભાવ્યા બાદ મોરબીના વિનોદભાઈ ભાણદાસ નિમાવત છેલ્લે પેસેન્જર ટ્રેનના ડ્રાઈવર (લોકો પાયલોટ) તરીકે જુલાઈ 2019માં નિવૃત થયા. જો કે નિવૃત્તિના બે મહિના બાદ જ વિનોદભાઈના પત્નિ ફાની દુનિયા છોડી ગયા. જીવન સફરનો એક પાટો છૂટી ગયો. બીજી તરફ વિનોદભાઈ રેલવેમાંથી નિવૃત થયા અને અંદાજે રૂપિયા ૪૮ હજાર જેટલું પેંશન શરૂ થયું.અલબત્ત મોટાભાગના નિવૃત સરકારી કર્મચારીઓ માફક તેઓએ નિવૃત્તિ બાદ આરામ કરવાને બદલે અનોખી સેવા પ્રવૃત્તિ આદરી આ પ્રવૃત્તિ એટલે અન્નદાન એ પણ એકલ દોકલ વ્યક્તિને નહિ પણ સેંકડો ભૂખ્યા લોકોને દરરોજ જમાડવાનો નિત્યક્રમ બનાવી સેવા પ્રવૃત્તિ હાથ ધરી. તેઓએ પોતાના પેન્શનની રકમમાં પોતાની જૂની બચતના દર મહિને ૧૨થી ૧૫ હજાર નાખીને દરરોજ ગરીબોને તેમજ નિરાધાર હોય તેવા લોકોને ભોજન આપે છે. વિનોદભાઈને આ શ્રમિકોના બાળકો માટે કંઈક કરવાની ઈચ્છા થઈ એટલે તેઓ સેવાયજ્ઞ શરૂ કર્યો. જોત જોતામાં આ સેવાયજ્ઞમાં એલઇ કોલેજના પ્રોફેસર મેહુલભાઇ ચૌહાણ, સ્વાતિબેન રાવલ, દર્શનાબેન જ્યોતિ, જયાબેન અને વિદ્યાબેન આ બધા જોડાયા. એક આખી સેવાભાવી ટિમ તૈયાર થઈ. આ ટિમ દરરોજ બાળકોને સાંજે 6થી 7 દરમિયાન શિક્ષણ આપે છે. આ સેવાયજ્ઞમાં બાળકોને ન માત્ર શિક્ષણ પણ તેમનામાં સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવી રહ્યું છે. જો કે આ શિક્ષકોએ બાળકોને શાળામાં પણ પ્રવેશ કરાવીને ત્યાં પણ અભ્યાસ કરાવવાના પ્રયત્નો કર્યા. પણ આ બાળકોનો પરિવાર સ્થળાંતરીત થતો રહેતો હોય, એટલે શાળાએ જવાનું બાળકો જ ટાળતા હતા. માટે રોડની બાજુએ જ બાળકોને ભણાવવાનું શરૂ થયું. અંદાજે દોઢેક વર્ષથી આ શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે. હાલ 40 જેટલા વિદ્યાર્થીઓ અહીં નિયમિત શિક્ષણ માટે આવી રહ્યા છે. તેઓનું શિક્ષણ કાર્ય પૂર્ણ થાય એટલે દરરોજ તેમને નાસ્તો પણ આપવામાં આવે છે. આ અંગે પ્રોફેસર મેહુલભાઇ ચૌહાણ જણાવે છે કે તેઓ સાંજે 6 વાગ્યા સુધી એલઇ કોલેજમાં જોબ કરે છે. જેવા તેઓ ત્યાંથી છુટે એટલે સીધા અહીં સેવાયજ્ઞના સ્થળે આવી જાય છે. તેઓએ વધુમાં જણાવ્યું કે શિક્ષણ મેળવવાનો દરેક બાળકોનો અધિકાર છે. પણ આ બાળકોના પરિવારો જ્યાં કામ મળે ત્યાં જાય છે અને કામ પૂરું થયા બાદ સ્થળ ફેરવી નાખતા હોય, શાળામાં તો બાળકોને પ્રવેશ મળી શકતો નથી. માટે તેઓએ ખાસ શાળા ઉભી કરી. જ્યાં શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કારોનું પણ સિંચન થાય છે. તેઓ વધુમાં જણાવે છે કે આ બાળકો શ્રમિક પરિવારમાંથી આવે છે. જેમાના ઘણા બાળકો તો નાની ઉંમરે જ ગુટખા કે તમાકુના વ્યસન ધરાવતા હતા. પણ શિક્ષકોની મહેનતને પગલે આ બાળકોમાં જાગૃતિ આવી છે તેઓ વ્યસનને છોડી રહ્યા છે. વધુમાં આ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે પણ મહત્વનું છે. કારણકે જો તે સંસ્કારી અને શિક્ષિત બનશે તો ન માત્ર તે બાળક પણ તેની આગળની પેઢી પણ સુખમય બની શકશે. ઉલ્લેખનીય છે કે આ સેવાયજ્ઞમાં શિક્ષકો માત્ર સેવાના જ ઉદેશથી પોતે પણ આનંદ સાથે બાળકોને શિક્ષણમાં રૂચિ જળવાય રહે તેવી અનોખી રીતે શિક્ષણ આપે છે. સામે દરરોજ બાળકો સાંજે 6 વાગ્યાની રાહ જોતા હોય છે, જેવી શાળા શરૂ થાય બાળકોને મજા પડી જાય. દરરોજ શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ દરરોજ બાળકોને નાસ્તો પણ કરાવાય છે. ઉપરાંત હવે તો અનેક સેવાભાવી લોકો પોતાના જન્મદિન સહિતના પ્રસંગોની ઉજવણી આ બાળકો સાથે કરતા થઈ ગયા છે.