મોરબી : જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિના માર્ગદર્શન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન.એ. મહેતાની પ્રેરણા દ્વારા આજથી સમગ્ર મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં પોઝિટિવ ન્યૂઝ વાંચનની એક સકારાત્મક પહેલ કરવામાં આવી છે. મોરબી જિલ્લાની દરેક સરકારી શાળાઓમાં પોઝિટિવ ન્યૂઝનું વાંચન થાય જેમાં રમત ગમત, જનરલ નોલેજ, પર્યાવરણ તેમજ વિજ્ઞાન સંબંધીત સમાચારોનું બે ભાષામાં ગુજરાતી અને અંગ્રેજીમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થાય તેની શરૂઆત કરવામાં આવી છે.આ પહેલ અંતર્ગત આજે જિલ્લા વિકાસ અધિકારીએ રામકૃષ્ણ સીઆરસીની વિવેકાનંદ કન્યા શાળાની મુલાકાત લીધી હતી. જેમાં બે વિદ્યાર્થિનીઓ જોગિયાણી નિયતિએ ગુજરાતીમાં અને વિંધાણી હેતવીએ અંગ્રેજીમાં simultaneously સમાચારો પ્રસ્તુત કર્યા હતા. સમાચારોની સુંદર પ્રસ્તુતિની જિલ્લા વિકાસ અધિકારીએ સરાહના કરી હતી અને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ માનસિક અને તાર્કિક વિકાસ સંદર્ભે પ્રેરણાત્મક વાતો કરી હતી. પોઝિટિવ ન્યૂઝની આ પહેલમાં વિદ્યાર્થીઓની નવું જાણવાની જિજ્ઞાસા વિકસે, સમાચારો તેમજ સાંપ્રત પ્રવાહો પ્રત્યે અભિમુખતા કેળવાય એ ઉદ્દેશ્યની પણ પોતાના ઉદ્બોધનમાં વાત કરી હતી. સીઆરસી કો-ઓર્ડીનેટર ઉમેશભાઈ પટેલ તેમજ રામકૃષ્ણ તાલુકા શાળા તેમજ વિવેકાનંદ કન્યા શાળાના આચાર્ય સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કઈ રીતે સારું પરિણામ લાવી શકાય તે બાબતે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.