હરિદ્વારની શ્રી કૃષ્ણાયન દેશી ગૌ રક્ષા સમિતિ અને ભાગીરથીધામ આશ્રમ આયોજિત કથા તા. 8 ફેબ્રુઆરી સુધી ચાલશે : ગુરુદેવ સ્વામી અશોકાનંદજી પોતાની ઓજસ્વી વાણીમાં કરાવી રહ્યા છે કથાનું રસપાન : દ્વારકાવાસીઓ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ધર્મપ્રેમી લોકોને કથાનો લાભ લેવા જાહેર આમંત્રણ દ્વારકા : રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણની પવિત્રભૂમિ દ્વારકાના આંગણે શ્રી કૃષ્ણાયન દેશી ગૌ રક્ષા સમિતિ અને ભાગીરથીધામ આશ્રમ-હરિદ્વાર દ્વારા દિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ ત્રણ દિવસ દરમિયાન ભક્તિનો અનેરો સંગમ સર્જાયો છે. હજુ આ કથા તા.8 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. ઉત્તરાખંડની સૌથી મોટી ગૌશાળા ‘શ્રી કૃષ્ણાયન ગૌરક્ષા શાળા’ જ્યાં 25 હજારથી વધુ ગાયોની સેવા થઈ રહી છે. જેના લાભાર્થે દ્વારકાના નાગેશ્વર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ આશ્રમ ખાતે તા.2થી કથારૂપી આધ્યાત્મિક મહોત્સવ શરૂ થયો છે. 8 ફેબ્રુઆરી, 2026 સુધી આ જ્ઞાનયજ્ઞ ચાલવાનો છે. હરિદ્વાર-ઋષિકેશથી પધારેલા ગુરુદેવ સ્વામી અશોકાનંદજી (સ્વામી અમૃત પ્રકાશજી) પોતાની ઓજસ્વી વાણીમાં દરરોજ સવારે 09:00 થી 01:00 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં તા.5ના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ, તા.6ના રોજ શ્રી કૃષ્ણ બાળલીલા, પૂતના ઉદ્ધાર, ગોવર્ધન લીલા, તા.7ના રોજ ગોપીગીત, રાસલીલા, કંસ ઉદ્ધાર, તા.8ના રોજ રૂકમણી વિવાહ, ભક્ત સુદામા ચરિત્ર યોજાશે. અહીં કથામાં ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ છે.આ ઉપરાંત, બહારગામથી આવતા ભક્તો માટે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવી છે. આ આયોજનનો મુખ્ય હેતુ ગૌમાતાની રક્ષા અને સંત સેવા છે. ત્યારે ભક્તોને આ જ્ઞાનગંગામાં ડૂબકી લગાવી તન, મન અને ધનથી ગૌસેવામાં સહભાગી થવા અપીલ કરી છે. તેમજ દ્વારકાવાસીઓ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ધર્મપ્રેમી લોકોને કથાનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.ગુરૂવારે નૃત્ય ભક્તિ અને શુક્રવારે ભજન-સંતવાણીનો કાર્યક્રમકથાની સાથે સાથે રાત્રિના સમયે ભક્તિમય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરાયું છે. જેમાં 5 ફેબ્રુઆરીના રોજ સાંજે 05:00 કલાકે ધ્યાની દવે દ્વારા ક્લાસિકલ નૃત્ય પ્રસ્તુતિ દ્વારા નૃત્ય ભક્તિ તેમજ 6 ફેબ્રુઆરીના રોજ રાત્રે 09:00 વાગ્યે જયશ્રી દાસ માતાજીના સ્વરે ભજન-સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.