ટંકારા: આજરોજ ઠેર ઠેર નાતાલની ઉજવણી થઈ રહી છે ત્યારે તાલુકાના હરબટીયાળી ગામે આવેલી પ્રાથમિક શાળામાં નાતાલની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના વિદ્યાર્થીઓને સાંતાક્લોઝને બદલે શ્રીરામ અને શ્રીકૃષ્ણની વેશભૂષા ધારણ કરી બાળકોને ભેટ આપવામાં આવી હતી. મહત્વનું છે કે, આજરોજ નાતાલની ઉજવણી નિમિત્તે બાળકોમાં આપણી સંસ્કૃતિ, ધાર્મિક શાસ્ત્રો અને સંસ્કારો પ્રજવલિત થાય તેવા ઉદ્દેશ સાથે હરબટીયાળી પ્રાથમિક શાળામાં નાના બાળકોને સાંતાક્લોઝના કપડાં પહેરાવાને બદલે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની વેશભૂષામાં તૈયાર કરવામાં આવ્યા હતા અને બાળકોને ભેટ પણ આપવામાં આવી હતી. આ તકે બાળકોએ તુલસી પૂજન પણ કર્યું હતું અને સાથે સાથે તુલસીના ફાયદાની સમજ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષિકા સંચલા ગીતાબેને કર્યું હતું.