મોરબીઃ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના હળવદીયા મિથુભાઈની બે વર્ષની દીકરી ખુશીને જન્મથી બહેરાશની સમસ્યા હોય મોરબી તાલુકાની RBSK ટીમ દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપવામાં આવ્યું છે. RBSK ટીમના ડો. જિગીષા દસાડીયા, ડો. આદર્શ કડીવાર અને ફાર્માસિસ્ટ કેયુર પટેલ દ્વારા આ બાળકીના ઘરે જઈ મુલાકાત કરીને જરૂરી ડોક્યુમેન્ટ કરાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. રાજકોટના ડોક્ટરોની તપાસથી આ બાળકીને ઓપરેશન કરાવવાની સલાહ આપવામાં આવી હતી. જો આ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરાવે તો 6-7 લાખનો ખર્ચ આવે તેમ હતો ત્યારે આ બાળકીને RBSK પ્રોગ્રામ અંતર્ગત સંદર્ભ સેવા આપી જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવે દ્વારા સારવારની મંજૂરી અપાઈ હતી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકીનું વિનામૂલ્યે ઓપરેશન કરાવવામાં આવ્યું હતું.