હળવદ : હળવદ તાલુકાના દેવળીયા ગામ નજીક હાઈવે પર બંધ પડી ગયેલા પથ્થર ભરેલા ડમ્પર પાછળ ટ્રક ઘુસી જતા એકનું મોત નીપજ્યું છે. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી આગળની તપાસ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામની ચોકડી નજીક હાઇવે પર રાજસ્થાન પાર્સિંગનું ડમ્પર નંબર આરજે 27 જીડી 6187માં કોઈ ખરાબી સર્જાતા રોડ પર ઉભું હતું તે વેળાએ પાછળથી આવી રહેલ ટ્રક નંબર જીજે 12 બીટી 8499 પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. બીજી તરફ બનાવની જાણ એલ એન્ડ ટી વિભાગને થતા વિક્રમસિંહ સહિતનાઓ ઘટના સ્થળે દોડી આવી અકસ્માતની જાણ હળવદ પોલીસને કરાઈ હતી. પોલીસ દ્વારા હાલ મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જઈ તેના પરિવારજનોની શોધખોળ આદરી છે.