વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના અગ્રણીઓ દ્વારા 8 ગૌવંશના જીવ બચાવી પોલીસ ફરિયાદ કરાઈ ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપુર નજીક કતલખાને લઇ જવાતા 8 ગૌવંશ ભરેલા ટ્રકને વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઝડપી લઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામ તરફથી આવતી આઈસર નં. GJ-03-BW-3959 બાતમીના આધારે ટંકારા લતીપર ચોકડીએ રોકીને તલાશી લેતા 7 ગાયો અને એક વાછરડું ક્રૂરતાપૂર્વક બાંધેલા હોય તેને કતલખાને જતા ઝડપી લેવામાં આવ્યા હતા. આ કેસમાં ટ્રકના ડ્રાઈવર શૈલેષભાઇ માનસિંગભાઈ ચૌહાણ તેમજ સાગરભાઈ લખમણભાઇ ઝાપડા અને હનીફભાઇ સામે ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવેલ છે. ગૌવંશ બચાવવાની કામગીરી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કે. બી. બોરીચા, બજરંગદળ પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, વૈભવભાઈ પટેલ, ગૌરક્ષક કમાન્ડો ફોર્સના હીતરાજ સિંહ, ગૌરક્ષક પાર્થભાઈ પટેલ, અખિલ વિશ્વ ગૌરક્ષકના ઇશ્વરભાઇ, મહાકાલ ગ્રુપના વી. કે. ઝાલા, સંદીપભાઈ ડાંગર, ગૌરક્ષક કિરીટભાઈ, ગૌરક્ષક લાલાભાઇ મકવાણાએ જહેમત ઉઠાવી હતી.