4 માર્ચ ને સોમવારે ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવિધ કાર્યક્રમનું આયોજનવાંકાનેર : વાંકાનેરમાં ધમલપર ખાતે રામટેકરી પર આવેલા સુપ્રસિદ્ધ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે ગુરૂદેવ રણછોડદાસબાપુની 38મી પુણ્યતિથિએ આનંદ અન ઉત્સાહપૂર્વક ભક્તિમય માહોલમાં ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.ગુરુદેવ રણછોડદાસજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 4 માર્ચ ને સોમવારના રોજ સવારે 8 કલાકે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનો પ્રારંભ થશે અને સાંજે 4-30 કલાકે બીડું હોમવામાં આવશે. સાંજે 6 કલાકે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તો રાત્રે 10 કલાકે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકાર વિજય ગઢવી, ભાવેશ પટેલ, ભુરા ભગત, નિકુંજ અગ્રાવત વગેરે સાજીંદાઓ સાથે ભજનની રમઝટ બોલાવશે. આ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેર શહેર, મોરબી, ડાકોર ઝાલાવાડ, કચ્છ, જામનગર, રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી દૂર દૂરથી ભાવિકો દર્શનાથેં પધારશે અને ભજન, ભોજન, સત્સંગ અને યજ્ઞના દર્શનનો લાભ લેશે.આ કાર્યક્રમને લઈને સમગ્ર મંદિર પરિસરને લાઈટિંગથી સજાવી દેવામાં આવ્યું છે. શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં નિજ મંદિરમાં વિધ વિધ જાતના પુષ્પોથી સજાવટ કરવામાં આવશે. આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા શ્રી જોગજતી હનુમાનજી ગ્રુપના દરેક ભાવિક, ભક્તજનો જહેમત ઉઠાવી રહ્યા છે. ભાવિકોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહ્યો છે. આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે સર્વ ભાવિક, ભક્તજનોને પધારવા અને મહા પ્રસાદ લેવા શ્રી જોગજતી ગૃપ, શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા, રામ ટેકરી, ધમલપર- 2 દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.