મોરબી નગરપાલિકાની 52 બેઠક માટે 172 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, જયારે વાંકાનેર પાલિકામાં 28 બેઠક માટે 82 અને માળીયા પાલિકાની 24 બેઠક માટે 55 ઉમેદવારીપત્ર રજૂ મોરબી : મીની વિધાનસભા જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધીમે ધીમે ગરમાવો આવી રહ્યો છે આજે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા અને અપક્ષ ઉમેદવારોએ નામાંકન માટે કતારો લગાવી હતી અને મોરબી જિલ્લાની ત્રણ પાલિકાની 104 બેઠકો માટે આજદિન સુધીમાં કુલ 309 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જો કે,આગામી તા.16ના રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચાયા બાદ નગરપાલિકાનું સાચું સુંટણીચિત્ર સ્પષ્ટ બનશે. મોરબી જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓમાં મુખ્યત્વે ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ જામશે જો કે મોરબી પાલિકામાં આપ દ્વારા પણ કેટલાક વોર્ડમાં ઉમેદવારી નોંધાવી છે ત્યારે પાલિકા વાઇસ સ્થિતિ જોઈએ તો મોરબી નગર પાલિકાના 13 વોર્ડની 52 બેઠકોમાં ગઈકાલ સુધીમાં કુલ 39 ફોર્મ ભરાયા હતા અને આજે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના 133 ઉમેદવારોએ નામાંકનપત્ર રજૂ કરતા કુલ 52 બેઠકો માટે 172 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. વાંકાનેર નગરપાલિકાની સ્થિતિ જોઈએ તો ગઈકાલ સુધીમાં 7 વોર્ડની 28 બેઠકો માટે આજે 26 ફોર્મ રજૂ થયા હતા અને અત્યાર સુધીમાં વાંકાનેર પાલિકા માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહીત કુલ 82 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા છે. એ જ રીતે માળીયા મિયાણા નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે આજે 45 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર રજૂ કર્યા હતા અગાઉ પાલિકા માટે 10 નામાંકનપત્ર ભરાયા હતા જેને પગલે માળીયા નગરપાલિકા માટે કુલ 55 ઉમેદવારીપત્ર આજદિન સુધીમાં રજૂ થયા છે. આમ,મોરબી જિલ્લાની ત્રણ નગરપાલિકાની કુલ 104 બેઠકો માટે 309 ઉમેદવારીપત્રો ભરાયા છે અને તા.16ના રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચાયા બાદ નાગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે.