એલસીબી ટીમે આઠ જુગારીઓને 4,32,500 રોકડા સાથે ઝડપી લીધા મોરબી : મોરબી શહેરના દલવાડી સર્કલ નજીક આવેલ વૃંદાવન પાર્કમાં રહેણાંક મકાનમાં આવેલ જનરલ સ્ટોરમાં ધમધમતા જુગારધામ ઉપર એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને રોકડા રૂપિયા 4,32,500 સાથે ઝડપી લીધા હતા. મોરબી એલસીબી પોલીસ ટીમના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર અને ભરતભાઇ જીલરીયાને સચોટ બાતમી મળી હતી કે, દલવાડી સર્કલ નજીક આવેલ વૃંદાવન પાર્કમાં મનોજભાઇ રતીલાલ પટેલ ગુરૂકૃપા જનરલ સ્ટોર નામની દુકાનના રૂમમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડે છે. જેને પગલે એલસીબી ટીમે દરોડો પાડતા આઠ આરોપીઓ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. એલસીબી ટીમે પાડેલા દરોડામાં મનોજભાઇ રતીલાલ પટેલ, નયનભાઇ વ્રજલાલ પટેલ, ધવલભાઇ જયંતીભાઇ ઉર્ફે જયેશભાઇ પટેલ, હસમુખભાઇ વાલમજીભાઇ પટેલ, નિલેશભાઇ કાળુભાઇ પટેલ, ચેતનભાઇ મગનલાલ પટેલ, અનીલકુમાર સવજીભાઇ પટેલ અને ભાવેશભાઇ પ્રભુદાસભાઇ પટેલ નામના જુગારીઓ રોકડા રૂપિયા 4,32,500 સાથે તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ જતા તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ સેલ અને AHTU મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.