પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 86 હજાર સાથે ઝડપી લેતી એલસીબી મોરબી : સાતમ આઠમના તહેવાર નજીક આવતા જ મોરબી શહેર જિલ્લામાં જુગારીઓ બમણા જોશથી જુગારમાં ગળાડૂબ બન્યા છે ત્યારે પોલીસ પણ શ્રાવણીયા જુગારની બદી ડામવા દિવસ રાત દરોડા પાડી રહી છે આવામાં ગઈકાલે મોરબી ઉમા ટાઉનશીપમાં ફ્લેટમાં ધમધમતી જુગાર કલબ ઉપર એલસીબી ટીમે દરોડો પાડી જુગારની મજા માણતા પાંચ જુગારીઓને રંગે હાથ પકડી પાડી 86 હજાર રોકડા કબ્જે કર્યા હતા. મોરબી એલસીબી ટીમે ગઈકાલે ઉમા ટાઉનશીપમાં આવેલ વિનાયક એપાર્ટમેન્ટમાં એ-વીંગ, ફલેટ-301માં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ફ્લેટ માલિક કૌશિકભાઇ દુર્લભજીભાઇ દેત્રોજા જુગાર રમાડાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જુગારની મજા માણી રહેલા કલબ સંચાલક કૌશિકભાઇ દુર્લભજીભાઇ દેત્રોજા, અશ્વિનભાઇ નાનજીભાઇ જશાપરા, વિશાલભાઇ કાંતિલાલ ફુલતરીયા, દિવ્યેશભાઇ ભુદરભાઇ કાચરોલા અને સતિષભાઇ સુખલાલભાઇ જેઠલોજા તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 86 હજાર કબ્જે કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.