નવા પ્રાથમિક શિક્ષકો અસરકારક શિક્ષણકાર્ય કરાવી શકે, અભ્યાસક્રમ વિશે જાણે તેમજ એકબીજાથી પરિચિત થાય તે હેતુથી શિબિરનું આયોજન કરાયુંમોરબી: મોરબીમાં સર્વ શિક્ષા અંતર્ગત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવા નિમાયેલા શિક્ષકો માટે ત્રણ દિવસની પ્રજ્ઞા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ શિક્ષણમાં જ્યારે નવી શિક્ષણ નીતિનું અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે શિક્ષકો પોતાના વિષયવસ્તુ તેમજ અભ્યાસક્રમ બાબતે સચોટ જ્ઞાન મેળવે એ હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા નિયમિત રીતે શિક્ષકોને તાલીમ આપવામાં આવતી હોય છે.તાજેતરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાને પણ 150 જેટલા નવા પ્રાથમિક શિક્ષકો મળ્યા છે. આ બધા નવનિયુકત શિક્ષકો વર્ગખંડમાં અસરકારક શિક્ષણકાર્ય કરાવી શકે, અભ્યાસક્રમ વિશે જાણે તેમજ બધા એકબીજાથી પરિચિત થાય એ હેતુથી શિક્ષકોને ત્રણ દિવસ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં વિવિધ પ્રોજેક્ટ્સ, પ્રવૃત્તિઓ, રમત ગમત, પ્રજ્ઞા અંતર્ગત મળતી 30 જેટલી શૈક્ષણિક સામગ્રીઓ તેમજ અધ્યયન સંપૂટનો કઈ રીતે અસરકારક ઉપયોગ કરવો એ શિખવવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એમ.મહેતાના નેતૃત્વ હેઠળ તથા મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રવિણભાઈ ભોરણીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં વર્ગ સંચાલક તરીકે વિરલભાઈ સાણજા તથા તજજ્ઞ તરીકે બીઆરપી સોનલબેન અઘારા, ટંકારા સી.આર.સી. હેમંતભાઈ ખાવડુ તથા બીઆરપી ઈર્શાદભાઈ શેરસીયાએ જવાબદારી નિભાવી હતી. તાલીમમાં ત્રણેય દિવસ વિવિધ વિષયો પર વિવિધ સત્રો રાખવામાં આવ્યા હતાં.અંતિમ દિવસે મોરબી બીઆરસી ચિરાગભાઈ આદ્રોજા દ્વારા વિશેષ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરને સફળ બનાવવા માટે સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.