સ્થળ ઉપર રકઝક બાદ ધંધાર્થીઓ મહાપાલિકા કચેરીએ દોડી આવ્યા : 70 વર્ષથી ધંધો કરતા હોવાનું જણાવી લાયસન્સ આપવાની માંગ કરીમોરબી અપડેટ : મોરબીમાં લાયસન્સ વગર ધમધમતા કતલખાના અને નોનવેજની લારીઓ બંધ કરાવવાની હિન્દુ સંગઠનોએ ઉઠાવેલી પ્રબળ માંગ બાદ મહાપાલિકાએ ધડાધડ નોટિસો ઇસ્યુ કરી હતી. ત્યારબાદ આ કાર્યવાહી મંદ પડી જતા ફરી હિન્દુ સંગઠનોએ મહાપાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે આજે મહાપાલિકાની ટિમ ચેકીંગ અર્થે ખાટકીવાસ ચોકમાં પહોંચી હતી. જ્યાં સિલીંગની હિલચાલ સામે નોનવેજના ધંધાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ વેળાએ અધિકારીઓ અને ધંધાર્થીઓ વચ્ચે રકઝક પણ થઈ હતી. બાદમાં ધંધાર્થીઓ મહાપાલિકા કચેરીએ રજુઆત અર્થે દોડી આવ્યા હતા.મહાનગરપાલિકાના અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ મનપાની ટીમ દ્વારા ખટકીવાસ વિસ્તારમાં 11 ઈસમો અને 14 દુકાનોને અનઅધિકૃત રીતે કતલખાનું ચલાવવા અને અનઅધિકૃત વેચાણ કરવા મામલે નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આ સ્થળોએ હજુ પણ આવી કોઈ પ્રવૃત્તિ ચાલુ છે કે કેમ તેની તપાસ કરવા માટે મનપાની ટીમ દ્વારા રૂબરૂ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સ્થળ તપાસ દરમિયાન ફોટોગ્રાફી અને પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. જો આ પુરાવાઓના આધારે અનઅધિકૃત પ્રવૃત્તિ ચાલુ હોવાનું સાબિત થશે, તો GPMC એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કમિશનરના માર્ગદર્શન હેઠળ અન્ય વિસ્તારોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે.બીજી તરફ, મનપા કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા ખટકીવાસના ધંધાર્થીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 60 થી 70 વર્ષથી અને 3 થી 4 પેઢીથી ખટકીવાસમાં ધંધો કરે છે. તેમની પાસે 1983 ના જૂના નગરપાલિકા વખતના લાયસન્સ છે, જે તેઓ જમા કરાવીને મનપા પાસેથી નવા લાયસન્સ અને NOC મેળવવા માંગે છે. વર્ષ 2006 થી ફૂડ લાયસન્સના નિયમો આવ્યા છે અને તેઓ ફૂડ લાયસન્સ તેમજ મનપાના તમામ કાયદાઓ અને નિયમોનું પાલન કરવા માટે તૈયાર છે. અલ્તાફ નામના સ્થાનિક જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં માત્ર ખાટકી સમાજ જ નહીં, પરંતુ ફ્રૂટવાળા, શાકભાજીવાળા, રિક્ષાવાળા અને કરિયાણાવાળા મળીને કુલ 2000 જેટલા લોકોની રોજીરોટી આ વિસ્તારના ધંધા પર નભે છે. અહીંના ગરીબ પરિવારોમાં કમાવાવાળો 1 અને ખાવાવાળા 10 લોકો હોય છે. તેથી મનપા દ્વારા દુકાનો સીલ કરવાને બદલે તેમને તમામ કાયદાકીય નિયમો મુજબ ધંધો કરવા દેવામાં આવે. તેઓ દરેક કાયદાનું પાલન કરવા તૈયાર છે.#MorbiUpdate #Mahanagarpalika #Khatkivas #TradersProtest #LocalNews