માધાપરવાડી સહિતની સરકારી શાળાઓમાં શિક્ષણ આપતા નિવૃત્ત શિક્ષક શાંતિલાલ પાડલિયાને પુસ્તક અર્પણ કરી આભાર વ્યક્ત કરાયોમોરબી અપડેટ: મોરબીના લોકો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. કોઈ આર્થિક અનુદાન આપે છે તો કોઈ શ્રમદાન થકી સેવા કરી મનુષ્યદેહને સાર્થક કરે છે. આવી જ એક અનોખી સેવા મોરબીના મૂળ ગાળા ગામના વતની અને નિવૃત શિક્ષક શાંતિલાલ પાડલિયા આપી રહ્યા છે. સુરત ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી વયમર્યાદાના કારણે નિવૃત થયા બાદ તેઓ પોતાના વતન મોરબી પરત ફર્યા છે.વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હોવા છતાં શાંતિલાલ પાડલિયાએ ચોક અને ડસ્ટર છોડ્યા નથી. નિવૃત્તિ પછી પણ તેમણે વિદ્યાર્થીઓને ભણાવવાની પોતાની આ પ્રવૃત્તિ નિરંતર ચાલુ રાખી છે. તેઓ વજેપરવાડી, સભારાવાડી અને માધાપરવાડી સરકારી માધ્યમિક અને પ્રાથમિક શાળામાં નિયમિતપણે પોતાની સેવા આપે છે. તેઓ પોતાના સમય, ટિફિન અને ટિકિટના ખર્ચે શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયનું શિક્ષણ આપે છે. આ ઉપરાંત, તેઓ વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ની પરીક્ષા માટેની સઘન તૈયારી પણ કરાવે છે.શિક્ષણકાર્ય દરમિયાન સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા તેઓ પોતાના ખર્ચે ઈનામ પણ આપે છે. નિવૃત્તિ પછી પણ શિક્ષણ પ્રત્યેની તેમની આ નિષ્ઠા અને પ્રવૃત્તિશીલતાને બિરદાવવા શાળા પરિવાર દ્વારા તેમનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. માધાપરવાડી શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ આ કર્મઠ શિક્ષકને વિશેષ પુસ્તક અર્પણ કરી શાળા વતી વંદન સાથે અભિનંદન પાઠવ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #Education #RetiredTeacher #Inspirational #GovernmentSchools #TeacherDedication #MorbiCity