મોરબી ખાતે આગામી શિક્ષકદિન નિમિત્તે મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરાશેટંકારા : ટંકારાની લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં જીવતીબેનની મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. મોરબી ખાતે આગામી શિક્ષકદિન નિમિત્તે મહાનુભાવોના વરદ હસ્તે તેઓને સન્માનિત કરવામાં આવશે. જીવતીબેનનો જીવન મંત્ર છે 'કર્મ એ જ પૂજા!' ચહેરા પર સતત રમતું સ્મિત એમનાં કર્મયોગને દીપાવે છે. તેઓએ પોતાનું તમામ શિક્ષણ સરકારી શાળા કૉલેજ કે યુનિવર્સિટીમાંથી મેળવ્યું છે એટલે તેઓ 'સરકારી શાળા શ્રેષ્ઠ શાળા' સૂત્રને સાર્થક કરવા સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ એમ.એમ.એમ. ઍડ હોવાં છતાં ભણતરનો ભાર ખંખેરી, બાલવાટિકા અને પ્રજ્ઞા વર્ગમાં શિષ્યોના સાથી બની સ્નેહનું સિંચન કરી; નિર્દોષ નયનમાં સુંદર સપનાઓ વાવી રહ્યાં છે. મહાન તત્વચિંતક બર્નાર્ડ રુસેલનો સંદેશ એમની રગેરગમાં ઊતરી ગયો હોય એવું લાગે. રુસેલ કહેતા કે, 'જો શિક્ષક દોડશે તો બાળક ચાલશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહેશે, શિક્ષક ઊભો રહેશે તો બાળક બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મૂર્ઝાઈ જશે.' બાળકની ચેતના અચેતન ન બને તે માટે શિક્ષકે પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. આ સૂત્ર જાણે કે જીવતીબેન ઘોળીને પી ગયા છે. સતત પ્રવૃત્તિશીલ તો ખરાં જ પણ સાથે સાથે સતત શીખતાં રહે છે જાણે કે આજીવન વિદ્યાર્થી!જીવતીબેનની શાળાના વિદ્યાર્થી કલા મહાકુંભ હોય કે વક્તવ્ય, બાળકવિ સ્પર્ધા, ચિત્ર, ગાયન, વાર્તા નિર્માણ વિદ્યાર્થીઓ અવ્વલ જ હોય સાથે સાથે બાહ્ય પરીક્ષાઓમાં પણ લખધીરગઢ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ અવ્વલ હોય જ. આવી ઝળહળતી સિદ્ધિ પાછળ હકારાત્મક અભિગમથી અપાયેલ માર્ગદર્શન! જીવતીબેનથી નકારાત્મકતા કોષો દૂર છે એ એમની સૌથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય.એમની શિક્ષણ પદ્ધતિ પણ ખરેખર પ્રશંસનીય છે. એમની શિક્ષણ આપવાની રીત અનોખી છે. રમતાં રમતાં બાળક પોતાને ક્ષમતા સિદ્ધ કરી લે છે. 'ભાર વગરનું ભણતર' એમનાં વર્ગમાં સાચે જ સિદ્ધ થાય છે.રમતાં રમતાં બાળક કેમ શીખે તે એમની youtube ચેનલ પર જોઈ શકાય છે.શિક્ષણ, સાહિત્ય કે સામાજિક ક્ષેત્ર તેઓશ્રી 100 % લગાવી કર્મ કરતાં રહે છે. એમની ઉદાત્ત કામગીરીની કદરરૂપે ઘણાં માન અકરામ મળેલ છે. તેઓને પ્રતિભાશાળી પ્રમાણપત્ર, તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, નારી ગરિમા એવોર્ડ, માતૃશક્તિ સન્માન, લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઘણા શિલ્ડ, સન્માન પત્ર, લખધીરગઢ ગ્રામપંચાયત અને શાળા તરફથી પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર, સામાજિક કાર્ય બદલ સમાજ તરફથી સન્માન પત્ર મળ્યું છે.ઉત્તમ શિક્ષક સાથે-સાથે બાળ સાહિત્યકાર એવા જીવતીબેનનાં બાળસાહિત્યના ચાર પુસ્તક પ્રકાશિત થયાં છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાને બળ આપતું 'દેશથી પરદેશ સુધી' કાવ્યસંગ્રહ તેમજ પર્યાવરણ બચાવો ભાવનાને મજબૂત કરતું 'પર્યાવરણથી પ્રીત, સાચી જીવન રીત બે કાવ્ય સંગ્રહનું સંપાદન પણ કર્યું છે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે બાળસાહિત્યની સાધનાને બળ મળે તે માટે બાળસાહિત્ય માટે 'શબ્દ વાવેતર બાલ વંદના ગ્રૂપ તેમજ બાળકો માટે 'ધમાલમસ્તી' ગ્રૂપ પણ ચલાવે છે. માતૃભાષાની માવજત માટે પ્રતિદિન શબ્દ અને અર્થ, ઉખાણું, સાચી જોડણી એમ ત્રણ પોસ્ટ પ્રતિદિન WhatsApp, facebook અને Instagram પર શેર કરે છે. નવોદિત સાહિત્યકારની રચનાઓનું પ્રૂફ રીડિંગ કરી આપતાં જીવતીબેન 'શબ્દ વાવેતર ગ્રૂપનાં એડમિન અને પદ્ય નિર્ણાયક તરીકે પણ કામ કરે છે.ઋજુ હૃદયનાં જીવતીબેનને મન વિદ્યાર્થી જ એના દેવ છે. તેઓશ્રી નાત જાતથી પર રહી સૌમા પરમાત્માના દર્શન કરે છે. શાળા એક મંદિર ને વિદ્યાર્થી તેના દેવ માનનાર જીવતીબેન કહે છે કે,'જિસકો તક હૈ વો કરે ખુદા કી તલાશ,હમ તો બચ્ચો કો હી ખુદા માનતે હૈ!'