જિલ્લાના 344 ગામોમાં ગ્રામસેવક, તલાટી અને સરપંચ દ્વારા જમીન નુકશાન અને પાક નુકશાન અંગે સર્વે કરાશે મોરબી : મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદની સાથે મચ્છુ-ડેમમાંથી છોડવામાં આવેલ પુષ્કળ પાણીને કારણે મચ્છુ નદીના કાંઠા વિસ્તારના ગામોમાં ખેતીની જમીનને વ્યાપક નુકશાન થવાની સાથે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ ભારે વરસાદને કારણે વ્યાપક નુકશાન થઇ હોવાથી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મોરબી જિલ્લાના તમામ 344 ગામોમાં ખેત નુકશાની માટે 29 ટીમને સર્વે માટે મેદાનમાં ઉતારવામાં આવી છે.મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.સી. ઉસદડીયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના 344 અસરગ્રસ્ત ગામોમાં ખેતીવાડી ક્ષેત્રે થયેલ નુકશાનીનો અંદાજ મેળવવા માટે શનિવારથી શરૂ કરવામાં આવ્યો છે. વધુમાં જિલ્લામાં ખેતીવાડીને નુકશાની અંગે આગામી 20 થી 25 દિવસ સુધી સર્વેની કામગીરી કરવામાં આવશે. વધુમાં સર્વેમાં માટે 29 જેટલી ટીમો કામે લાગી છે આ ટીમમાં ગ્રામ સેવક, તલાટી મંત્રી અને સરપંચનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું હતું.વધુમાં ખેતીવાડી વિભાગ મોરબી દ્વારા માળીયા મિયાણા તાલુકાના 42 ગામોના સર્વે માટે 5 ટીમ, હળવદ તાલુકાના 67 ગામોના સર્વે માટે 6 ટીમ, મોરબીના 92 ગામોનો સર્વે કરવા માટે 6 ટીમ, ટંકારા તાલુકાના 42 ગામોના ખેત નુકશાની સર્વે માટે 5 ટીમ અને વાંકાનેરના 101 ગામોના સર્વેક્ષણ માટે 7 ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે.નોંધનીય છે કે. પ્રાથમિક દ્રષ્ટિએ માળીયા મિયાણા, મોરબી અને વાંકાનેર તાલુકામા સૌથી વધુ નુકસાન થયું હોવાનું સુત્રી જણાવી રહ્યા છે, આ વર્ષે જિલ્લામાં 3,14,123 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં કપાસનું 2,00001 હેકટર, મગફળીનું 69,458 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે.