મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલ શિવમ પાર્ક સોસાયટીના હર્ષદ પરમાર, જયેશ વાળા સહિતના જાગૃત નાગરિકો દ્વારા ફાઈનાન્સિયલ કંપનીઓ હોમલોનધારકોને ત્રણ માસના હપ્તા મોકૂફ રાખવાના સરકારના આદેશનો ભંગ કરતી હોવાની ફરિયાદ સાથે યોગ્ય તપાસ કરવા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા હોમલોનધારકોને ત્રણ માસનો હપ્તો મોકૂફ રાખવાની અપીલ કરવામાં આવેલ છે પરંતુ મોતીલાલ ઓસ્વાલ હોમ ફાઇનાન્સ, ડી.એચ.એફ.એલ. હોમ ફાઇનાન્સ, રોપકો હોમ ફાઇનાન્સ જેવી ફાઇનાન્સર કંપનીઓ સરકારની આ જાહેરાતને અનુસરતી નથી તેમજ કંપનીઓ તરફથી એવો મેસેજ આવે છે કે હોમલોનધારકોએ દંડ સાથે તેમજ વ્યાજ સાથે નહીં ભરેલ હપ્તા ભરવા પડશે. લોકડાઉનની પરિસ્થિતિમાં આર્થિક અગવડતા પડતી હોય ત્યારે હોમલોનના હપ્તામા રાહત મળે તે જરૂરી છે. આથી, આ અંગે તપાસ કરી યોગ્ય પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.