હળવદ : હળવદ તાલુકાના મંગળપુર ગામના પશુપાલક અને ખેડૂતનો પુત્ર ખેતરમાં કુસ્તીનો અખાડો બનાવી કુસ્તીની પ્રેક્ટીસ કરી ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ કુસ્તીમાં સિલ્વર મેડલ મેળવ્યું છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મંગળપુર ગામના બિજલભાઈ કુડેચા જે પશુપાલન અને ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે.પોતાના દિકરા સાગરમાં નાનપણથી કસરત,શારીરિક સૌષ્ઠવ અને કુસ્તીનો શોખ જોઈને પોતાના ખેતરમાં જ કુસ્તીનો અખાડો બનાવી આપ્યો હતો. કુડેચા સાગર પણ ટ્રેક્ટરના પૈડાંને ઢસેડવા, હળના સાધનોથી કસરત કરવી, પૈડા અને ચક્રોથી વજન ઉચકવાની પ્રેકિટસ કરીને સમગ્ર ગુજરાતમાં રાજ્યકક્ષાએ 55 કિલો કેટગરીની કુસ્તીની ફાઈનલમાં પહોંચ્યો હતો. કુસ્તીની તૈયારી વધારે થાય તે માટે સાગરે તક્ષશિલા સંકુલમાં ચાલતા ડિસ્ટન્સ એજ્યુકેશનના પર્યાય NIOSમાં એડમિશન લીધું હતું.આ સાથે ઇન્સ્કુલ પ્રોજેકટના ટ્રેનર પૂજાબેન ઓરા પાસે ફિઝીકલ કોચિંગની ટિપ્સ પણ મેળવી હતી. સમગ્ર ગુજરાતમાં 55 કિલો વેઈટ કેટેગરી કુસ્તીમાં સિલ્વર મેડલ મેળવતા તક્ષશિલા સંકુલના ટ્રસ્ટી રમેશભાઈ કૈલા અને કૃણાલ પટેલે ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે સાગરની બહેન અલ્પા કુડેચા પણ કુસ્તીમાં મેડાલિસ્ટ છે.