વાંકાનેર : શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ જીસીઇઆરટી, ગાંધીનગર પ્રેરિત 'નિપુણ ભારત મિશન' અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર-1 ઝોનકક્ષા વાર્તા સ્પર્ધા (વાર્તા કથન ) - વર્ષ 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગ- 2, પ્રિપેરેટરી સ્ટેજ (ધોરણ : 3 થી 5)માં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલી વઘાસિયા પ્રાથમિક શાળામાં ધોરણ - 4માં અભ્યાસ કરતી માથકિયા મેહવિશ ફિરોઝભાઈએ સમગ્ર સૌરાષ્ટ્ર-1 ઝોન કક્ષામાં પ્રથમ નંબર મેળવી પોતાના પરિવાર, શાળા, તથા વાંકાનેર તાલુકાનું ગૌરવ વધાર્યુ છે.મેહવિશ આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધામાં સૌરાષ્ટ્ર-1 ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. મેહવિશ વાંકાનેર તાલુકાના મૂળ રાણેકપર ગામની વતની છે. મેહવિશના માતા વઘાસિયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા તથા પિતા કલેકટર કચેરી મોરબી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.