મોરબી : વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તારીખ 29 નવેમ્બર થી 1 ડિસેમ્બર સુધી ત્રણ દિવસીય કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન દ્વારા 20 મી WKI ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની નિર્મલ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ બે મેડલ મેળવી શાળાનું તેમજ સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વડોદરા ખાતે યોજાયેલી આ કોમ્પિટિશનમાં મોરબીની ભક્તિનગર સોસાયટીમાં રહેતી અને હાલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તાનિયા રમેશભાઈ માણેક એ ભાગ લીધો હતો. આ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લઈ તાનિયાએ ફાઈટમાં ગોલ્ડ મેડલ અને કાતા કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ એમ કુલ બે મેડલ જીતીને પરિવાર, શાળા તેમજ મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. મહત્વનું છે કે, હાલ તાનિયા કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. તેમજ અત્યાર સુધીમાં સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ. આમ જુદી જુદી કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. જેમાં કુલ 4-ગોલ્ડ મેડલ, 2- બ્રોન્સ મેડલ મેળવેલ છે. જે બદલ શાળાનાં સંચાલક નિલેશભાઈ કુંડારીયા તેમજ સમગ્ર શાળા પરિવારે આ વિદ્યાર્થિનીને અભિનંદન તેમજ શુભેચ્છા પાઠવી છે.