ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત યોજાયેલી અન્ડર-19 સ્પર્ધામાં મેદાન માર્યું: આચાર્ય દ્વારા સ્પોર્ટ્સ શૂઝ અને ટ્રેકસૂટ ભેટ આપી સન્માનિત કરાયોટંકારા (મોરબી અપડેટ) : સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ચાલી રહેલા 'ખેલ મહાકુંભ 3.0' અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની શ્રી હાઈસ્કૂલના વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.SGFI (2026-27) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા ગત તારીખ 22/08/2026 ના રોજ મોરબી જિલ્લા કક્ષામાં એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અન્ડર-19 ભાઈઓની 400 મીટર દોડ સ્પર્ધામાં હરબટીયાળી હાઈસ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જયદીપ અમલીયારે ભાગ લીધો હતો. જયદીપે 400 મીટરની દોડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેમની આ ઝળહળતી સિદ્ધિ બદલ શાળા પરિવાર અને ગામ લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને સૌ કોઈ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.આ તકે વિદ્યાર્થીના ઉત્સાહમાં વધારો કરવા અને તેની સિદ્ધિને બિરદાવવા શાળાના આચાર્ય આર. જે. મુછારા તરફથી જયદીપને સ્પોર્ટ્સ શૂઝ અને ટ્રેકસૂટ ભેટમાં આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર જયદીપ અમલીયાર હવે આગામી સમયમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જશે અને શાળા તેમજ મોરબી જિલ્લાનું નામ વધુ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #KhelMahakumbh #Athletics #Harbatiyali #SportsNews #RunningChampion #GujaratSports