ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા નિયમો અમલમાં મૂકીને આગળની કાર્યવાહી કરવામાં આવશે : મેયરમોરબી અપડેટ : ગાંધી જયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી મહાપાલિકામાં પણ આજે મળેલી આ ખાસ સામાન્ય સભા માત્ર 5 મિનિટમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. સભા પૂર્ણ થયા બાદ મોરબીના મેયર ઉત્તમ સુરાણીએ પત્રકારોને સંબોધતા બેઠકમાં થયેલ ચર્ચા અંગે માહિતી આપી હતી.મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું કે ગત સામાન્ય સભાના એજન્ડાઓને બહાલી આપવામાં આવી છે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ઘન કચરાના વ્યવસ્થાપન માટેની સ્ટેન્ડિંગ કમિટીની દરખાસ્ત આવનારી સામાન્ય સભામાં રજૂ કરાશે. મોરબીમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા બાયલોઝ (Bylaws) અમલમાં મૂકીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. 'સ્વચ્છતા હી સેવા' સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીના તમામ વોર્ડમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. જ્યાં પણ ગંદકી છે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. મેયરે મોરબીવાસીઓને નમ્ર અપીલ કરી છે કે તેઓ આ અભિયાનમાં જોડાઈને પોતાનું યોગદાન આપે અને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવે. પરાબજાર સહિતના વિસ્તારોમાં ૨૪ કલાક ઉડતી ધૂળની સમસ્યા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મેયરે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં આ સમસ્યાના ઉકેલ માટે પણ યોગ્ય આયોજન કરી તેની જોગવાઈ કરવામાં આવશે.