મોરબી: ઈન્ડીયન આર્મીમાં 22 વર્ષની ગૌરવશાળી દેશ સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થયેલા જવાન ગોસાઈ રવિપર્વત દિનેશપર્વતનું આજે વતન પરત ફરતા નવી પીપળી ગામમાં ભવ્ય અને લાગણીસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલમાં આયોજિત આ કાર્યક્રમમાં આર્મી જવાનના સન્માનમાં આખું ગામ ઉમટી પડ્યું હતું.નિવૃત્ત જવાન ગોસાઈ રવિપર્વત દિનેશપર્વતના સ્વાગત માટે આજે, શનિવાર, 04/10/2025ના રોજ સાંજે 04:00 કલાકે એક ભવ્ય સ્વાગત સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અમરનાથ મંદિર (કાવરવાડી) થી શરૂ કરીને નવી પીપળી ગામ સુધી પહોંચી હતી.આર્મી જવાનના સ્વાગત માટે ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાની બાળાઓ દ્વારા તેમના સામૈયા કરવામાં આવ્યા હતા અને આરતી ઉતારીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ગ્રામજનો તિરંગા સાથે રેલીમાં જોડાયા હતા, અને ઢોલ-નગારાના તાલે દેશભક્તિના નારા લગાવ્યા હતા.ગોસાઈ રવિપર્વત દિનેશપર્વતને માન-સન્માન આપવા માટે સ્વાગત રેલી બાદ કાવર સમાજવાડી, નવીપીપળી ખાતે સાંજે 06:30 કલાકથી ભોજન સમારંભનું આયોજન કરાયું છે. તેમજ રાત્રે 09:00 કલાકે ભવ્ય રામામંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપીને દેશના આ વીર સપૂતને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની દેશભક્તિને બિરદાવી હતી.