પોલીસ તપાસમાં ફરિયાદ ખોટી હોવાનું બહાર આવતા ફરિયાદી ખુદ આરોપીના કઠોડામાં આવી ગયા મોરબી : અંગત અદાવતનો હિસાબ કરવા માટે પોલીસમાં પુત્રના અહરણની ખોટી સ્ટોરી ઘડી પોલીસ પર FRI નોંધવા માટે દબાણ કરી પોલીસને ગેરમાર્ગે દોરવા મામલે મોરબી સીટી.એ.ડીવી.પો. મથકમાં એક દંપતી અને સામાજિક આગેવાન સહિત ત્રણ જણા સામે પોલીસે જાતે ફરિયાદ નોંધી ગુન્હો દાખલ કર્યો છે. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આમરણ ખાતે રહેતા અશોકભાઈ નાથાભાઇ પરમારે મોરબી સીટી.એ.ડીવી.માં પોતાના પુત્ર ઉમેશ ઉં.વ.22નું અપહરણ થયાની અરજી આપી હતી. આ અરજીના આધારે તેઓ તથા તેમના પત્ની રીટાબેન અને સામાજિક આગેવાન રાજેશભાઇ કલ્યાણજીભાઈ ચૌહાણ દ્વારા પોલીસ પર એફ.આઈ.આર નોંધવા માટે અપહરણકર્તાઓના નામ જોગ રજુઆત કરતા હોય કહેવાતા અપહરણકર્તાઓ અંગે પોલીસે તપાસ આદરી હતી. તપાસ દરમ્યાન કહેવાતા અપહરણકર્તાઓ તેઓના ઘેર જ મળી આવ્યા હતા. આથી પોલીસે CCTV ફુટેજો તપાસી શોધી કાઢ્યું હતું કે દંપતી પોતાના જે પુત્રનું અપહરણ થયાની સ્ટોરી કહેતા હતા એ ઉપજાવી કાઢેલ છે. ખરેખર તો દંપતીનો પુત્ર ઉમેશ પોતાની જાતે જ શનાળા રોડ પરથી રિક્ષામાં બેસીને નવા બસ સ્ટેન્ડે જઈને સોમનાથ વેરાવળની બસમાં બેસતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત વધુ તપાસ કરતા ઉમેશના કોલ ડિટેઇલ ચેક કરતા ઉમેશ તેના પિતા અશોકભાઈ સાથે ટેક્સ્ટ મેસેજથી સતત સંપર્કમાં હોવાનું પોલીસને જાણમાં આવ્યું હતું. બીજા દિવસે પુત્ર ઉમેશ જાતે જ ઘેર આવી ગયો હતો. આમ પોલીસ તપાસ દરમ્યાન પુત્રના અહરણની વાત ઉપજાવી કાઢેલ હોવાનું સામે આવ્યું હતું. આથી વધુ તપાસ કરતા જેમની સામે આ દંપતી અહરણની ફરિયાદ દાખલ કરવા પોલીસ પર દબાણ કરતું હતું તેઓ સાથે અંગત અદાવતને લઈને ખોટા કેસમાં ફિટ કરી દેવડાવવાની ચાલ હોવાની પોલ છતી થઈ હતી. પોલીસ પોતાની ફરિયાદ લેતી નથી અને એટ્રોસિટીનો ગુન્હો દાખલ કરવા માટે આ દંપતી સહિત સામાજિક આગેવાન રાજેશ કલ્યાણજીભાઈ ચૌહાણ દ્વારા પોલીસ કાર્યવાહી કરવા અંગે જિલ્લા પોલીસ વડા તેમજ કલેકટરને આવેદન આપી ઘરણા પર બેસી પોલીસ તથા કલેકટર તંત્રને ગેરમાર્ગે દોરવા બદલ પોલીસ દ્વારા જ ફરિયાદ દાખલ કરવામાં આવતા કહેવાતા ફરિયાદી ખુદ આરોપીના કઠોડામાં આવી ગયા છે.