બાજુના રૂમમાં ઘુસી ગયેલ તસ્કર રૂ.૧.૫૭ લાખની સોનાની માળા અને ૧૫૦૦૦ રોકડા ચોરી ગયો ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે બે દિવસ પૂર્વે રાત્રીના સમયે બેંકમાં નોકરી કરતા યુવાનના ઘરમાં પ્રવેશ કરી કોઈ અજાણ્યો તસ્કર લોખંડના કબાટમાંથી બે તોલા સોનાની માળા તેમજ રૂપિયા 1500 રોકડની ચોરી કરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ચોંકાવનારી વાત તો એ છે કે, પરિવાર ઘરમાં હજાર હોવા છતાં તસ્કરે હિંમત કરી ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો.ચોરીની ઘટના અંગે જાણવા મળતી વીગતો મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે મહાદેવ મંદિરની બાજુમાં રહેતા અને બેંકમાં નોકરી કરતા લલીતભાઇ મોતીભાઇ ઢેઢી ઉ.૪૦ નામના યુવકે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે,ગત તા.તા.૦૧/૦૮/૨૦૨૬ ના રાત્રીના સાડા દશેક વાગ્યાથી તા.૦૨/૦૮/૨૦૨૬ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ફરીયાદી તેમના ઘેર હાજર હતા અને બીજા રૂમમાં સુતા હતા ત્યારે અજાણ્યા તસ્કરે ઘરમાં પ્રવેશ કરી લોખંડના કબાટની તીજોરીમાં રાખેલ સોનાની આશરે બે તોલાની માળા કિંમત રૂપિયા ૧,૫૭,૦૦૦ તેમજ રોકડા રૂપિયા ૧૫૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૭૨,૦૦૦ ની ચોરી કરી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.