મોરબી: વધતા કોરોના સંક્રમણ વચ્ચે સરકારની સખ્ત ગાઈડલાઇન્સને લઈને આજે મંગળવારે હનુમાન જયંતિની સાદગીથી ઉજવણી કરાઈ રહી છે. દરવર્ષે હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક અને મોટા પાયે થતી ઉજવણીને આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આજે મંગળવારે મોરબીના પ્રસિદ્ધ હનુમાન મંદિરોમાં સીમિત માત્રામાં ભક્તોની હાજરી વચ્ચે સામાજિક અંતર જાળવીને ધાર્મિક ઉજવણી થઈ રહી છે. મોરબીના સુપ્રસિદ્ધ ચકિયા હનુમાનજીના મંદિરે તમામ કાર્યક્રમો રદ કરી ભક્તો એક પછી એક મંદિરમાં પ્રવેશીને દાદાના દર્શન કરી શકે છે. સવારની આરતીમાં સીમિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સાંજે પણ સાદાઈથી મહાઆરતી કરવામાં આવનાર છે. ભક્તોને મલિંદાનો પ્રસાદ તકેદારી પૂર્વક વિતરિત કરાઈ રહ્યો છે. હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવી રહ્યા છે, જો કે, તમામ મંદિરોમાં ભક્તોની પાંખી સંખ્યા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે હનુમાન જયંતિની મોટા પાયે ઉજવણી થતી હોય છે અને ખાસ કરીને બાળકોને ગુંદી-ગાંઠિયા સહિતનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. દિવસભર દાદાના ભક્તો મંદિરો બહાર લાઈન લગાવતા હોય છે. ત્યારે આ વર્ષે તમામ મંદિરો સૌ પ્રથમ રાષ્ટ્ર ફરજ નિભાવીને ધાર્મિક પરંપરા નિભાવી રહ્યા છે.