ગુનેગારોને સજા મળશે ત્યારે જ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશેઃ મૃતકોના પરિવારજનોમોરબી : આજે તારીખ 30 ઓક્ટોબર એટલે મોરબીમાં બે વર્ષ પહેલા બનેલી ગોઝારી ઝુલતા પુલની દુર્ઘટનાની તારીખ.. 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં 130થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ તમામ મૃતકોના આત્માની શાંતિ માટે મોરબીમાં સામાજિક કાર્યકરો દ્વારા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અજયભાઈ વાઘાણી, દેવેશભાઈ રાણેકવાળીયા, વાલજીભાઈ મુછડીયા, મુસાભાઈ બ્લોચ દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવ્ય આત્માઓની શાંતિ માટે અને ન્યાય માટે આજે 30 ઓક્ટોબર ને બુધવારે સવારે ઝુલતા પુલના પાછળના ભાગે શાંતિ હવનનું આયોજન કરાયું હતું. આ શાંતિ હવનમાં મૃતકોના પરિવારજનો, રામધન આશ્રમના ભાવેશ્વરી મા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે હવનમાં આહૂતિ આપીને મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મૃતકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ઝુલતા પુલ દુર્ઘટનામાં જે ગુનેગારો છે તેમને સજા મળશે ત્યારે જ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.