મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી અને 'ગુજરાતીના અધ્યાપક સંઘ'ના સંયુક્ત ઉપક્રમે તેમજ આચાર્ય ડૉ .રામભાઈ વારોતરિયાના અધ્યક્ષ સ્થાને તા. 22-9-2025ના રોજ વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. દીપક પટેલ અને સરકારી વિનયન કોલેજ પડધરીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભાવેશ ચાંડેગરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો આરંભ સેમસ્ટર ૫ની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજૂ કરીને કર્યો હતો. પધારેલ સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત ડો. રેખાબેન કચોરીયાએ કર્યું હતું. ઉપસ્થિત સર્વે મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આચાર્ય ડૉ.રામભાઈ વારોતરીયાએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક વ્યાખ્યાન આપ્યું હતું. ડૉ .દીપક પટેલે પ્રેમાનંદ કૃત 'સુદામા ચરિત્ર' અને ડૉ. ભાવેશ ચાંડેગરાએ પન્નાલાલ પટેલ કૃત 'મળેલા જીવ' વિશે ઉત્કૃષ્ટ વ્યાખ્યાનો આપ્યાં હતા. બંને વક્તાઓએ સાહિત્ય રસિકોને પોતાના વક્તવ્યથી રસતરબોળ કરી દીધા હતા. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ આભાર વિધિ દ્વારા ડૉ. નાજાભાઇ કોડિયાતરે કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડૉ. કવિતાબા ઝાલાએ સંચાલક તરીકેની ભૂમિકા નિભાવી હતી. ઉમળકાભેર કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. સમગ્ર સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્નો કર્યા હતા.