મોરબી : આજ રોજ 8 જાન્યુઆરીના રોજ મોરબીની સાર્થક વિદ્યાલયમાં “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન અંતર્ગત મહિલા જાગૃતિના ભાગરૂપે “સેવ વુમન ફોર સાયલન્ટ કીલર” પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાર્થક વિદ્યાલય મોરબીની ધોરણ -6 થી ધોરણ-12 સુધીની એમ 2 સેશનમાં બાળાઓને તારુણ્ય શિક્ષણ અને મહિલા જાગૃતિ અભિયાન અંગે માહિતગાર કરવામાં આવી હતી. જેમાં વિદ્યાલયની આશરે 700 થી વધુ બાળાઓએ ભાગ લીધો હતો. મહિલા જાગૃતિ અભિયાન - મોરબી પ્રેરિત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલા ટીમ લીડર સિંધવ શોભનાબેન તથા પરમાર બિનાબેન દ્વારા બહનોને ગાયનેક સમસ્યાઓ અને તેના ઉકેલ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલાઓના મનમાં રહેલ જાતિય પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું જોઈએ ? પોતાની સારસંભાળ કેવી રીતે રાખવી જોઈએ ? પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો જોઈએ ? તેનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનુ સંચાલન તેમજ આભારવિધિ પલ્લવીબેન પટેલ તથા રેખાબેન નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સાર્થક પરિવારની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી તથા કિશોરભાઇ શુકલનું પ્રેરક માર્ગદર્શન મળ્યું હતું.