સ્થાનિક પોલીસે દરોડો પાડતા એક આરોપી નાસી ગયો, ટેન્કર ચાલક સપડાયોમોરબી : માળીયા મિયાણા પંથકમાં ડિઝલચોરીનું વ્યાપક કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે સ્થાનિક પોલીસે બાતમીને આધારે નવલખી રોડ પર નાના દહીંસરા ગામના રેલવે ફાટક પાસે દરોડો પાડી ટેન્કરમાંથી ડીઝલ ચોરી રંગેહાથ ઝડપી લઈ ટેન્કર ચાલકની ધરપકડ કરી હતી.જો કે, દરોડા દરમિયાન ડીઝલ ચોર એક આરોપી નાસી ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ જામનગર - કચ્છ હાઇવે પર મોટા પ્રમાણમાં ડીઝલ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોય માળીયા મિયાણા પોલીસ સતર્ક બની છે. દરમિયાન ગઈકાલે માળીયા મિયાણા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નવલખી રોડ પર નાના દહીંસરા ગામના રેલવે ફાટક પાસે ટેન્કરમાંથી ડિઝલનો જથ્થો ચોરવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા જીજે - 36 - ટી - 7536 નંબરના ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે ટેન્કર ચાલક આરોપી ઈમ્તિયાઝ સુલેમાનભાઈ ગજિયા ઉ.434 રહે.રાજપાર્ક, જામનગર વાળાને ઝડપી લીધો હતો. જ્યારે ડીઝલ ચોરી રહેલા આરોપી હરદેવ રાણાભાઈ છૈયા રહે.જસાપર તા.માળીયા મિયાણા નામનો શખ્સ નાસી ગયો હતો.પોલીસે બનાવ સ્થળ પરથી ટેન્કર સહિત કુલ રૂપિયા 36,65,600નો મુદ્દામાલ કબ્જે કરી જાતે ફરિયાદી બની બન્ને આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.