સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, હેલ્મેટ, સીટબેલ્ટ અને 'PM RAHAT' યોજના વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયુંમોરબી અપડેટ : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) મોરબી દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નવયુગ કોલેજ મોરબી, નાલંદા વિદ્યાલય ટંકારા, દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વાંકાનેર, ડી. વી. રાવલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હળવદ અને ITI કોલેજ માળિયા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમોમાં મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓએ પણ ખાસ હાજરી આપી હતી.કાર્યક્રમમાં RTO ટી. બી. મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન તથા સુરક્ષિત વાહનવ્યવહાર અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે એન. ટી. મેવાડા દ્વારા માર્ગ સલામતી વિષયક પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, ARTO આર. પી. પ્રજાપતિ દ્વારા પ્રેઝન્ટેશન (PPT) ના માધ્યમથી હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ તથા અકસ્માત નિવારણ અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.વિદ્યાર્થીઓને અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર સહાય મળી રહે તે હેતુસર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી 'PM RAHAT' યોજના તેમજ અકસ્માત સમયે મદદરૂપ થવા માટેની 'Rahveer' યોજના અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાનો અને ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. અંતમાં વિદ્યાર્થીઓને સમાજમાં પણ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #RTOMorbi #RoadSafety #TrafficAwareness #SevaSankalpAbhiyan #MorbiTrafficPolice