વજેપરમાં દેશી દારૂ ઉતરે તે પહેલા જ પોલીસ પહોંચી, એક મહિલા સહિત બે ફરાર મોરબી : રાજકોટથી મોરબીના વજેપરમાં દેશી દારૂનો જથ્થો ઉતારવા આવેલા રીક્ષા ચાલકને પોલીસે 150 લીટર દેશી દારૂ સહિત 1 લાખ 3 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જો કે દારૂ મંગાવનાર મહિલા સહિતના બે શખ્સ નાસી જતા પોલીસે ત્રણ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વજેપર શેરી નંબર 24ના નાકા પાસે સીએનજી રીક્ષામાં દેશી દારૂનો જથ્થો ઉતરી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા રાજકોટના ભાવનગર રોડ ઉપર રણછોડનગરમાં રહેતો રીક્ષા ચાલક સંજય મધુકાન્તભાઈ મદાણી ઝડપાઇ ગયો હતો.જેથી પોલીસે 3000 રૂપિયાની કિંમતનો 150લીટર દેશી દારૂ અને 1 લાખની કિંમતની સીએનજી રીક્ષા કબ્જે કરી હતી. વધુમાં દેશી દારૂનો જથ્થો મંગાવનાર કાલિકા પ્લોટમા રહેતો સાજીદ ઉર્ફે ઇમરાન દોસમામદભાઈ જામ અને મનીષાબેન સુરેશભાઈ કોળી નામના આરોપીઓ પોલીસને જોઈ દરોડા દરમિયાન નાસી જતા પોલીસે બન્નેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.