ગંભીર ઇજાઓ બાદ રાજકોટ સારવારમાં લઈ જતા સમયે ટંકારા પાસે દમ તોડી દીધોમોરબી : મોરબી - હળવદ હાઇવે પર નીચી માંડલ ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતમાં રોંગ સાઈડમાં પુર પાટ ઝડપે આવેલી બોલેરો ગાડીએ સીએનજી રિક્ષાને ટક્કર મારતાં રિક્ષાચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જો કે, આ કરુણ બનાવમાં ઇજાગ્રસ્ત રીક્ષાચાલકને વધુ સારવાર માટે રાજકોટ લઈ જતી વેળાએ રસ્તામાં ટંકારા નજીક દમ તોડી દીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા રાહુલભાઈ રામજીભાઈ ચૌહાણ ઉવ.૨૬ ગઈકાલે વહેલી સવારે પોતાની સીએનજી રિક્ષા નં. જીજે-૩૬-યુ-૫૫૪૩ લઈને નીચી માંડલથી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે સિમોલો સિરામીક કારખાના પાસે મહિન્દ્રા બોલેરો રજી.નં. જીજે-૧૦-ટીએક્સ-૯૦૭૩ના ચાલકે પુરપાટ ઝડપે બેદરકારીથી પોતાની બોલેરો રોંગ સાઈડમાં ચલાવી રિક્ષાને ટક્કર મારી હતી.અકસ્મતમાં રાહુલભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં પ્રથમ મોરબીની સમર્પણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જતી વખતે તબિયત વધુ લથડતાં ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતના બનાવ અંગે મૃતકના મોટા ભાઈ દિલીપભાઈ રામજીભાઈ ચૌહાણની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.