નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અંગે અધિકારીઓને અપાયું જરૂરી માર્ગદર્શનમોરબી : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત મોરબી જિલ્લામાં પ્રક્રિયા સુચારૂ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે કવાયત શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ચૂંટણી ઓબ્ઝર્વર સંજય જોશી (IAS) એ મોરબીમાં નોડલ ઓફિસર અને રિટર્નિંગ ઓફિસર સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી.વિવિધ સંસ્થાઓની ચૂંટણી અંગે વિગતવાર ચર્ચાઆ બેઠકમાં ઓબ્ઝર્વર દ્વારા મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો તેમજ વાંકાનેર, ટંકારા અને માળિયા(મી) નગરપાલિકાઓની બેઠકોની ચૂંટણી પ્રક્રિયા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સંજય જોશીએ લોકશાહીના આ પર્વમાં કોઈપણ અવરોધ વિના મતદાન પૂર્ણ થાય અને આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત, સંવેદનશીલ મતદાન મથકો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ જરૂરી સૂચનો આપ્યા હતા.વહીવટી તંત્ર દ્વારા કરાયું પ્રેઝન્ટેશનજિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીએ અત્યાર સુધીની ચૂંટણીલક્ષી કામગીરીની વિગતો આપી આગામી આયોજનની રૂપરેખા રજૂ કરી હતી. નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન મારફતે મતદાન કેન્દ્રો, EVM ફાળવણી, સ્ટ્રોંગ રૂમ અને સ્ટાફ તાલીમ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.આ બેઠકમાં પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, નાયબ મ્યુ. કમિશનર સંજય સોની સહિત વિવિધ વિભાગના નોડલ ઓફિસર અને રિટર્નિંગ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #Election2026 #LocalBodyElection #MorbiUpdate #AdminReview #GujaratElection