જુના દેવળીયા ગામના આશરે 400 જેટલા પરિવારજનો કાર્યક્રમમાં જોડાયા મોરબી : જુના દેવળીયા ઉમા પરિવાર - મોરબી દ્વારા તા. 28-12-2025ના રોજ રાધે હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે આયોજિત પાંચમો સ્નેહમિલન સમારોહ ઉત્સાહ, આનંદ અને આત્મીયતા સાથે સંપન્ન થયો. જેમાં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના આશરે 400 જેટલા પરિવારજનો એકત્રિત થઈ પરિવારભાવ, એકતા અને સંસ્કારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સુઅવસર મળ્યો.આ કાર્યક્રમની શરૂઆત પવિત્ર અને ભાવસભર માહોલમાં કરવામાં આવી. મંચ પર શ્રી ઉમિયા માતાજી, ભારત માતા, શ્રી કેશવેશ્વર મહાદેવ તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓ સ્થાપિત કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ગત વર્ષનાં ધો. 10 અને 12માં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરનાર તેજસ્વી ભાઈઓના હસ્તે દીપ પ્રગટાવવામાં આવ્યો. જે નવી પેઢી માટે પ્રેરણારૂપ બન્યું. ત્યારબાદ બહેનો દ્વારા ઉમિયા માતાજીની આરતી કરવામાં આવી. જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયુ.સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત દેશભક્તિના શુભ સંદેશ સાથે રાષ્ટ્ર ગાન ગાઈને કરવામાં આવી. બાળાઓએ સમૂહમાં સ્વાગત ગીત રજુ કર્યું. ત્યારબાદ ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, અભિનય અને પ્રેરણાદાયક વક્તવ્યો રજૂ કરી સૌને ભાવવિભોર કર્યા. નાનાં બાળકો માટે વિશેષ રીતે આયોજન કરાયેલ રમતોમાં કે.જી. થી ધોરણ 8 સુધીના બાળકોને અંદર-બહાર, કેટલા રે કેટલા, સંગીત ખુરશી, લીંબુ-ચમચી અને કોથળા દોડ જેવી રમતો રમાડવામાં આવી. અંદાજે 310 જેટલા બાળકોને રમત ગમતમાં ભાગ લેવા બદલ પ્રોત્સાહક ભેટ આપવામાં આવી અને સાંસ્કૃતિક કાર્યક્રમના અને રમત ગમતના વિજેતાઓને શિલ્ડ અને ભેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.આ સ્નેહમિલનમાં જુના દેવળીયા ગામના બહેન, દીકરી અને ફઈબાના પરિવારની નોંધપાત્ર હાજરી રહી, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં આત્મીયતા અને પરિવારભાવની અનુભૂતિ થઈ. શ્રી શાંતિલાલ એલ. ભોરણીયા (નિવૃત્ત પ્રોફેસર, વઢવાણ બી.એડ કોલેજ) એ પોતાના ઉદબોધનમાં ગામની એકતા, સંગઠન અને બાળકોને મોબાઇલની લતથી દૂર રાખવાની મહત્વપૂર્ણ વાતો રજૂ કરી. ત્યારબાદ શ્રી ધનજીભાઈ આર. ભોરણીયા (નિવૃત્ત શિક્ષક) એ શિક્ષણનું મહત્વ સમજાવ્યુ અને હાસ્યભરી શૈલીમાં પોતાના અનુભવોની વાતો થકી વાતાવરણ હળવું ફૂલ બનાવવા હાસ્યરસ પિરસ્યો.કાર્યક્રમના અંતે સૌ માટે સહભોજનનું આયોજન કરવામાં આવ્યું, ભોજન બાદ બહેનો દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવીને સમારોહને યાદગાર બનાવાયો. આ સ્નેહમિલનમાં આર્થિક સહયોગ આપનાર 190 જેટલા સ્વૈચ્છીક સહભાગી દાતાઓને આયોજક સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત સમસ્ત ગ્રામજનોએ પણ આયોજક સમિતિની મહેનતને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.આ રીતે જુના દેવળીયા પરિવારના સૌ સભ્યોના તન, મન અને ધનના સહકારથી આયોજિત આ પાંચમું સ્નેહમિલન સમારોહ એકતા, સંસ્કાર અને સૌહાર્દનું જીવંત પ્રતિક બની રહ્યો અને સૌના હૃદયમાં અવિસ્મરણીય સ્મૃતિરૂપે અંકિત થયો.