મોરબી : આજે 6 ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે મોરબી શહેરમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી મોરબી સામકાંઠા વિસ્તાર ઉમિયાનગરમાંથી શરૂ કરાઈ હતી. અને શહેરના મુખ્ય માર્ગો કલેકટર કચેરી, મયુર પુલ, દરબારગઢ, વાઘપરા, સનાડા રોડથી મોરબી મહાનગરપાલિકા પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે પહોંચી હતી. જ્યાં સ્વયમ્ દળના સૈનિકો દ્વારા બાબા સાહેબ આંબેડકરજીને સલામી આપવામાં આવી. ત્યારબાદ નેહરુગેટ ચોકથી વીસી ફાટક, રેલવે સ્ટેશન, કુબેરનગર લાયન્સનગરમાંથી પસાર થતી રોહીદાસપરા ખાતે રેલી સભામાં પરિવર્તિત થઈ હતી. આ સભામાં સૈનિક દળના સૈનિકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભારત રાષ્ટ્ર માટે ત્યાગ અને બલિદાન વિશેની વાત કરી અને મહામાનવના સંઘર્ષને લોકો સુધી પહોંચાડવા અને ભારતને સમતાવાદી રાષ્ટ્ર બનાવવાની વાત કરી, અને સમાજમાંથી જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, વ્યસન દૂર કરવાની વાત કરી હતી.