એલસીબી ટીમે બાયપાસ ઉપર આરટીઓ કચેરી નજીકથી એક લાખ રોકડા અને રીક્ષા સાથે એક ને દબોચી બે સાગરીતોના નામ ખોલાવ્યાં મોરબી : મોરબીમાં ઓટો રિક્ષામાં મુસાફરનો સ્વાંગ રચી મુસાફરને લૂંટતી ટોળકી સક્રિય બની છે ત્યારે તાજેતરમાં ખાખરેચી ગામેથી રિક્ષામાં બેઠેલા મુસાફરને ઉલટી થાય છે તેવું કહી રૂપિયા 1 લાખ સેરવી લેનાર ગઠિયા ટોળીના એક શખ્સને મોરબી એલસીબી ટીમે બાયપાસ રોડ ઉપર આરટીઓ નજીકથી ઝડપી લઈ એક લાખ રોકડા તેમજ ગુન્હામાં ઉપયોગમાં લીધેલ રીક્ષા કબ્જે કરી હતી. મોરબીના જેતપર ગામથી આગળ ગત તા.11 જુલાઈના રોજ ઓટો રીક્ષામાં બેઠેલા ખાખરેચી ગામના પ્રવિણભાઇ આંબાભાઇ પટેલને નિશાન બનાવી મુસાફરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓએ ઉલટી થાય છે કહી એક લાખ સેરવી લીધા હતા અને ભોગ બનેલાં પ્રવીણભાઈને અધવચ્ચે ઉતારી ગઠિયાઓ નાસી ગયા હતા. આ કેસમાં મોરબી એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા તથા પો.કોન્સ ભગીરથસિંહ ઝાલાને ખાનગી રાહે હકીકત મળેલ કે, ધનજીભાઇ દેવજીભાઇ કોળી રહે. રાજકોટ વાળો આવા ગુન્હા કરવાની ટેવ વાળો છે અને લીલા કલરની પીળા હુડ વાળી સી.એન.જી.ઓટો રીક્ષા નંબર GJ3BU 2023ની લઇને હાલ નવલખી ફાટકથી બાયપાસ રોડ થઇ રવિરાજ ચોકડી તરફ જાય છે. જેથી એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમીને આધારે મોરબી બાયપાસ રોડ જુની આર.ટી.ઓ.કચેરી પાસે વોચ ગોઠવતા આરોપી ધનજીભાઇ દેવજીભાઇ ગેડાણી, ઉ.39, રહે.રાજકોટ રેલ્વે સ્ટેશનની સામે કોઠી કપાઉન્ડ, રેલ્વેના ક્વાટર્સ બ્લોક નંબર-29 વાળો આબાદ ઝડપાઇ ગયો હતો અને ગુન્હાની કબૂલાત આપતા પોલીસે એક લાખ રોકડા સાથે ધનજીને ઝડપી લઈ પૂછપરછ કરતા આ ગુન્હામાં અમીત કોળી રહે.રાજકોટ અને હાર્દીક મનસુખભાઇ ભાલાળા, રહે.રાજકોટ પોપટપરા મેઇનરોડ વાળાની સંડોવણીની કબૂલાત આપતા આરોપીને મોરબી તાલુકા પોલીસ મથકને હવાલે કર્યો હતો. ઉલ્લેખનિય છે કે એલસીબીએ પકડેલા ધનજી કોળી વિરુદ્ધ લોધીકા, મોરબી સીટી એ ડિવિઝન, રાજકોટ શહેર બી ડીવીઝન, રાજકોટ શહેર એ ડીવીઝન, રાજકોટ શહેર પ્રધુમ્નનગર પોલીસ મથકમાં દારૂ, જુગાર, ચોરી સહિતના ગુન્હાઓ નોંધાયેલ છે અને આરોપી ધનજી પોતાના મિત્રો સાથે રાજકોટથી પોતાની રીક્ષા લઇ મોરબી આવી રીક્ષામાં પાછળના ભાગે પેસેન્જરને બેસાડી તેની નજર ચુકવી ખીસ્સામાંથી રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન તેમજ દાગીનાની ચોરીઓ કરવાની ટેવ વાળો હોવાનું પોલીસ જણાવી રહી છે. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઈ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી.,પેરોલ ફર્લો તથા ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.