ધાયડી સંપ નજીક પંચાયતની સરકારી જમીનમાં ઝાડ વાવવા પ્રશ્ને બે ભાઈઓ તૂટી પડયા મોરબી : મોરબીના રવાપર ગામમાં સરકારી ખરાબાની જગ્યામાં ઝાડ વાવવા માટે જગ્યા સાફ કરાવવા જનાર રેલવે કર્મચારીને બે માથાભારે ઈસમોએ આડેધડ માર મારી ઈજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ રવાપર ગામમાં ધાયડી વિસ્તારમાં રહેતા અને રાજકોટ રેલવે વિભાગમાં નોકરી કરતા નવીનભાઈ રૂગનાથભાઈ ભટાસણા ગઈકાલે પાણીના સંપ નજીક વૃક્ષ વાવવા માટે મજૂરો લઈને જગ્યા સાફ કરાવતા હતા ત્યારે રવાપર પાણીના સંપ પાસે રહેતા ભુપતભાઈ તેજાભાઈ જારીયા અને અમીતભાઈ તેજાભાઈ જારીયા નામના ઈસમોએ આ જગ્યા અમારી છે. અહીંથી નીકળી જાવ કહી ઉશ્કેરાઈ જઈ મોઢા ઉપર જોરદાર ઝાપટ મારી દેતા લોહી નીકળી ગયા હતા. આ ઉપરાંત બન્ને ઈસમોએ નવીનભાઈને ઢીકાપાટુનો બેફામ માર મારતા નવીનભાઈએ બન્ને વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ આઇપીસી કલમ કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.