કૃષિ વિજ્ઞાનના તજજ્ઞોએ મિલેટની રોજિંદા જીવનમાં ફાયદાઓ અને ઉપયોગિતા સમજાવી. મોરબી : મોરબી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી, રાજકોટ જિલ્લા સહકારી સંઘ રાજકોટ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મોરબી ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે સહકારી પ્રવૃતિમાં યુવાનો અને મહિલાઓની ભાગીદારી તેમજ યર ઓફ મિલેટ અને G-20 ની જનજાગૃતિ અંગે સેમિનાર અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓમાં સહકારી પ્રવૃતિ વિશે જાણકારી મળે, જાગૃતતા ફેલાય તેમજ મહિલાઓ અને યુવાનો સહકારી પ્રવૃતિ સાથે જોડાય તે અંગેનુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. G-20 સમિટ અંગે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ મોરબી, રાજકોટ સંઘના પ્રફુલાબેન સોની, સંઘના ટ્રેનર દ્વારા સમજ આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞ દ્વારા મિલેટની આપણા રોજિંદા જીવનમાં ઉપયોગીતા અને ફાયદાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. G-20 સમિટમાં ભારતની પ્રેસિડેન્સી અન્વયે કોલેજના વિદ્યાર્થીઓમાં વસુધૈવ કુટુંબકમ વિષય પર નિબંધ સ્પર્ધા પણ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં કોલેજની મહિલા વિદ્યાર્થીનીઓ, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ મોરબી, રાજકોટ જિલ્લા સહકારી સંઘના મહિલા સમિતિના સભ્યો, રાજકોટ જિલ્લા સહકારી સંઘના મેનેજર, સંઘના ટ્રેનર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબીના પ્રાધ્યાપક લાલજીભાઈ જીવાણી, દિલિપભાઇ સરડવા, કોલેજના પ્રિન્સિપાલ શ્રી જે.બી.પટેલ તેમજ અન્ય કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.