સરકારની લીલીઝંડી મળ્યા બાદ તળાવ કાંઠે બગીચો, બોટિંગ, ફૂડ કોર્ટ સહિતની સુવિધા વિકસાવાશે : મ્યુનિસિપલ કમિશનરે શંકર આશ્રમ, કેસર બાગ, સૂરજ બાગની મુલાકાત લઈ જરૂરી સૂચના આપીમોરબી : મોરબીના શહેરીજનોને હરવા-ફરવા માટે ઉત્તમ સ્થળો મળી રહે અને શહેરના સૌંદર્યમાં વધારો થાય તે માટે મોરબી મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના વિવિધ બાગ-બગીચા અને તળાવોના વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ્સની રૂબરૂ મુલાકાત લઈ પ્રોજેક્ટની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.મોરબી શહેરને કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ શહેરમાં હરવા ફરવાના સ્થળોને વિકસાવવા માટે કોર્પોરેશન પ્રયત્નશીલ છે. ખાસ કરીને સૂરજ બાગના નવીનીકરણનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને આગામી ૨૦ દિવસમાં જ સુરજબાગનું નવીનીકરણ કામ પૂર્ણ કરી દેવામાં આવશે. જ્યારે કેસર બાગ અને શંકર આશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ આગામી ૬ મહિનામાં પૂરા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, કમિશનરે શનાળા તળાવ અને લીલાપર તળાવની પણ મુલાકાત લઈને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી દ્વારા મોરબીના શહેરીજનોને સૌથી મોટી ભેટ આપવા પણ તૈયારીઓ શરૂ કરી છે.જેમાં શહેરની હદમાં ભળી ગયેલા નાની વાવડી ખાતે આવેલા તળાવને આઇકોનિક ઢબે વિકસાવવા યોજના ઘડી કાઢી સરકારમાં દરખાસ્ત કરવા નક્કી કર્યું છે. આઇકોનિક વિકાસથી નાની વાવડી તળાવ મોરબીનું એક આગવું નજરાણું બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ સાકાર થયેથી મોરબી અને આસપાસના લોકો પોતાના પરિવાર સાથે રજાના દિવસોમાં અહીં ખાસ ફરવા આવે અને પ્રકૃતિની વચ્ચે આધુનિક સુવિધાઓનો આનંદ માણી શકે તેવા વિકાસ માટે રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે.આઇકોનિક તળાવ ખાતે ઊભી કરવામાં આવનાર સુવિધાઓમોરબીના લોકો માટે એક ખાસ પીકનિક સ્પોટ બની રહે તે માટે નાની વાવડીના તળાવનો વિકાસ કરી અહીં બોટિંગની સુવિધા ઉપરાંત હરિયાળો બગીચો અને ચાલવા માટે આધુનિક જોગિંગ ટ્રેક, અહીં આવતા સહેલાણીઓ વિવિધ વાનગીઓની મજા માણી શકે તે માટે એક ફૂડ કોર્ટ,વડીલો શાંતિથી બેસી શકે તે માટે સિનિયર સિટીઝન પાર્ક, સંગીતના સાધનો સાથે ભજન-કીર્તન કરી શકાય તેવી વિશેષ જગ્યા ઉપરાંત આધુનિક અને આકર્ષક શિલ્પો તથા આકૃતિઓ મૂકી તળાવની શોભા વધારી મોરબીના લોકો માટે પ્રવાસન અને મનોરંજનનું નવું સરનામું આપવામાં આવશે.