મોરબી : ગુજરાતના 40 હજાર આશા વર્કર અને ફેસીલેટર બહેનોની સમસ્યાની રજૂઆત માટે તાત્કાલિક બજેટ બેઠક દરમિયાન સમય ફાળવવા માટે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન દ્વારા CDHO મોરબી મારફતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરાઈ છે.ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન દ્વારા જણાવાયું છે કે, 40 હજાર જેટલી આશા વર્કર અને ફેસિલેટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે તુરત જ સમય ફાળવવામાં આવે. 2018 પછી માનદ વેતનમાં કઈ વધારો કર્યો નથી અને આ બજેટમાં પણ કેન્દ્ર સરકારે કોઈ જ વધારો આપ્યો નથી. ગુજરાત સરકારે પણ બજેટમાં કોઈ વધારો કર્યો નથી. છેલ્લા ત્રણ વર્ષથી બજેટમાં આશા વર્કરો અને ફેસીલેટર માટે નવા ડ્રેસ આપવાની જાહેરાત કરાય છે. પરંતુ તે આજ દિન સીધું અપાયા નથી. કામગીરીના ઈન્સેન્ટીવ એકપણ જિલ્લામાં નિયમિત રીતે મળતા નથી. તેથી બજેટ સત્ર દરમિયાન જ બજેટમાં સુધારો કરવામાં આવે અને તે માટે સરકાર દ્વારા 15 યુનિયનના પ્રતિનિધિ મંડળને સમય ફાળવવા માટે વિનંતી કરાઈ છે.