મોરબી : શહેરની મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ સુધી અસંખ્ય ખુટીયા રખડતા હોય જેથી વારંવાર અકસ્માતના બનાવો બને છે અને વાહનચાલકોને પણ મુશ્કેલી પડે છે. ત્યારે આ રખડતા ખુંટીયાઓને પકડી પાડવા અન્ન નાગરિક પુરવઠા-મોરબી જિલ્લાના પૂર્વ સલાહકાર પી.પી. જોષીએ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે. મોરબી-હળવદ ઘુટુ રોડ જે અમદાવાદ તરફ જવા માટેનો મેઇન રોડ છે. અહીં મહેન્દ્રનગર ચોકડીથી ઘુટુ સુધી અનેક ખુટીયા રખડે છે અને અવારનવાર નાના-મોટા અકસ્માતો પણ થાય છે, વાહનમાં પણ નુકસાન થાય છે. આવા ખુટીયા રાત્રિના સમયે રોડ ઉપર આરામથી બેઠા હોય છે, જ્યારે સામેથી આવતા વાહનચાલકોને ખુટીયા દેખાતા ન હોવાથી અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેથી આ તમામ ખુંટિયાઓને પકડી પાડી મોરબી નગરપાલિકા સંચાલિત પંચાસર રોડ પર આવેલા નંદિઘરમાં રાખવામાં આવે તો પ્રશ્ન હલ થઇ શકે તેમ છે. તેમજ આ રોડ પર ઘણી બિનવારસુ ગાયમાતાઓ પણ રખડે છે. તેને પકડી ગૌશાળામાં કે પાંજરાપોળમાં મૂકવામાં આવે તે પણ જરૂરી છે આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે તેવી સૌ નાગરિકો વતી અંતમાં રજુઆત કરી છે.