એ ડિવિઝન પોલીસે 20 બોટલ દારૂ કબજે કરી સપ્લાયરના નામ ખોલ્યા મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે એક્ટિવા મોટર સાયકલમા દારૂની હેરફેર કરતા એક શખ્સને 20 બોટલ દારૂ સાથે ઝડપી લઈ દારૂ સપ્લાયર બે શખ્સના નામ ખોલવામાં સફળતા મેળવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે રવાપર રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલ નજીક વોચ ગોઠવી એક્ટિવા મોટર સાયકલમાં વિદેશી દારૂની 20 બોટલ કિંમત રૂપિયા 9,600નો શરાબ લઈને નીકળેલા અજય ઉર્ફે કિશન રમેશભાઈ ગોહેલ રહે.રવાપર ગામ વાળાને ઝડપી લઈ 20 હજારનું કિંમતનું એક્ટિવા મોટર સાયકલ પણ કબ્જે કરી કુલ રૂપિયા 29,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી અજય ઉર્ફે કિશને દારૂનો આ જથ્થો કાલિકા પ્લોટમા રહેતા રિયાઝ હનીફ ચાનીયા અને કબીર ટેકરી નજીક રહેતા હાજી મુસા ખુરેશી પાસેથી મેળવ્યાની કેફિયત આપતા પોલીસે અજય ઉર્ફે કિશનને અટકાયતમાં લઈ દારૂ સપ્લાયર બન્ને શખ્સને ફરાર દર્શાવી ત્રણે વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.