મોરબી: રાજ્ય સહિત મોરબી જિલ્લામાં પણ કોરોનાના કેસો વધતા નાના ગામડાઓમાં સરપંચો દ્વારા ગ્રામીણોના સ્વાસ્થ્યની તકેદારીના ભાગરૂપે છૂટછાટ પર આંશિક પ્રતિબંધોના ઉપાયો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે અત્યાર સુધીમાં 40 જેટલા કેસો નોંધાતા પાનેલી ગ્રામપંચાયત દ્વારા ગામની દુકાનો પર આંશિક સમયની પાબંધી ફરમાવવામાં આવી છે. મોરબી તાલુકાના પાનેલી ગામમાં અત્યાર સુધીમાં આશરે 40 કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા છે. જેને લઈને ગામના મહિલા સરપંચ ગીતાબેન ચાવડાએ ગામની દુકાનો અને શાકમાર્કેટ માટે સમય મર્યાદા નક્કી કરી છે. આશરે 7500ની વસ્તી ધરાવતા પાનેલી ગામની મોટી કહેવાતી શાકમાર્કેટમાં 40 જેટલી મહિલા ધંધાર્થીઓ શાક-બકાલુ વેચવા એકઠી થતી હોય છે. જ્યારે અન્ય 10થી 15 જેટલા અન્ય ફેરિયાઓ પણ ઉક્ત સ્થળે આવતા હોય છે. આ ફેરિયાઓને હાલ પૂરતા 5 દિવસ બહારથી આવવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે, ઉપરાંત મહિલા ધંધાર્થીઓને પણ શાકભાજી બજાર બંધ રાખવા જણાવાયું છે. આ ઉપરાંત પાનના ગલ્લા સહિતની અન્ય દુકાનો માટે સવારે 7થી 10 અને બપોરે 4થી 7 સુધી આમ કુલ 6 કલાક જ વેપાર કરવાની છૂટ આપવામાં આવી છે. દુકાનો ખુલ્લી રાખવાના સમય દરમ્યાન પણ ગ્રાહકોની ભીડ ન થાય એ બાબતની તકેદારી રાખવા સૂચનાઓ અપાઈ છે. આ વ્યવસ્થા આવનારા 5 દિવસો સુધી લાગુ કરવાનું હાલ પૂરતું ગ્રામપંચાયતે નક્કી કર્યું છે. 40 જેટલા કેસો ગામમાં નોંધાતા ગ્રામીણોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. ગ્રામીણોની માંગણી છે કે આરોગ્ય વિભાગ ગામમાં ઘેર ઘેર ફરીને વ્યાપક સર્વે કરાવે અને કોરોના સંક્રમણ કાબુમાં લાવવાના સંનિષ્ઠ પ્રયાસો આદરે.