ટંકારા : ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સયુંકત ઉપક્રમે વિરપર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8ના કુલ 50 બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની આગવી કલા વડે વ્યસનની જાગૃતિ ઉપર વિવિધ ચિત્ર દોર્યા હતા વ્યસન મુક્તિ જાગૃતિ અંગેની આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર અન્સારી અરમ મુસ્તાકભાઈ, દ્વિતિય નંબર વર્મા આયુષ રામાયણભાઈ તથા તૃતિય નંબર અન્સારી સોયબ મુસ્તાકભાઈએ મેળવ્યો હતો. વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના આચાર્ય પારધી પ્રવિણભાઈએ દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર પટેલ હિતેશ, આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર ડો. અમીતાબેન સનારીયા, ડો. કેયુર જાની, ઇન્ચાર્જ પી.એચ.સી. સુપરવાઈઝર ધવલ પંડ્યા, એમ.પી.એચ.ડબ્લ્યુ કૃણાલ ઠાકર પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.